RCB એ કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવીને IPL 2025ની મોટી જીત સાથે શરૂઆત કરી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં KKR એ પ્રથમ બેટિંગ કરીને 174 રન બનાવ્યા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 7 વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું.
આ મેચમાં આરસીબીની જીતના હીરો વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ હતા. બોલિંગ કરતી વખતે, કૃણાલ પંડ્યાએ બેંગલુરુ માટે મેચનું પાસું ફેરવી નાખ્યું.
વિરાટ કોહલી અને ફિલ સોલ્ટના બેટે મચાવી ધૂમ
વિરાટ કોહલી IPL 2024 ના ઓરેન્જ કેપ વિજેતા હતા, તેને IPL 2025 માં પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે. તેને પહેલી જ મેચમાં 59 રનની અણનમ ઈનિંગ રમી. તેને ફિલ સોલ્ટ સાથે 95 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી. સોલ્ટે 31 બોલમાં 56 રનની તોફાની ઈનિંગ્સ રમીને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ સાથે મળીને પાવરપ્લેમાં જ બેંગલુરુ ટીમનો સ્કોર 80 રન સુધી પહોંચાડ્યો.
આરસીબીના કેપ્ટન રજત પાટીદારે પણ 16 બોલમાં 34 રન બનાવીને પોતાની ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો. અંતે લિયામ લિવિંગસ્ટને સ્પેન્સર જોહ્ન્સનને બોલ પર RCB માટે વિજયી શોટ માર્યો.
વિરાટે KKR સામે પૂરા કર્યા 1000 રન
વિરાટ કોહલીએ KKR સામે 1000 રન પૂરા કર્યા છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની તેની 33મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. તમને જણાવી દઈએ કે IPLમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં ડેવિડ વોર્નરના નામે છે, જેને પંજાબ કિંગ્સ સામે 1134 રન બનાવ્યા છે.
KKR ની બોલિંગની વાત કરીએ તો, ફક્ત વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જ એક-એક વિકેટ લઈ શક્યા. નરેન સિવાય, બાકીના બધા બોલરોએ 10 થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા.


