IPL 2025ની 42મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 205 રન બનાવ્યા.
ટીમ માટે વિરાટ કોહલીએ 70 રનની શાનદાર ઈનિંગ રમી. આ શાનદાર ઈનિંગને કારણે કોહલીએ T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેને આ ફોર્મેટમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે.
વિરાટ કોહલીએ બાબર આઝમને છોડ્યો પાછળ
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, RCB ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવ્યું. ઓપનર વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી. સોલ્ટ આઉટ થયા પછી, કોહલીએ દેવદત્ત પડિકલ સાથે મળીને ઈનિંગ્સને આગળ ધપાવી અને ઝડપથી રન બનાવ્યા.
આ મેચમાં વિરાટે પોતાની ફિફ્ટી પૂરી કરતાની સાથે જ T20 ક્રિકેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. કોહલી હવે એવો ખેલાડી બની ગયો છે જેને પહેલા બેટિંગ કરતી વખતે T20 માં સૌથી વધુ પચાસ પ્લસ (50 કે તેથી વધુ રન) ઈનિંગ્સ રમી છે. આ તેની 62મી ફિફ્ટી પ્લસ ઈનિંગ્સ હતી, જેનાથી તેને પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી દીધો છે, જેના નામે આ સ્થાન પર 61 ઈનિંગ્સ છે.
T20 માં પ્રથમ બેટિંગ કરતી વખતે સૌથી વધુ 50+ રન બનાવનારા ખેલાડીઓ
વિરાટ કોહલી – 62
બાબર આઝમ – 61
ક્રિસ ગેલ – 57
ડેવિડ વોર્નર – 55
જોસ બટલર – 52
ફાફ ડુ પ્લેસિસ – 52
સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં બીજા સ્થાને પહોંચ્યો કોહલી
IPL 2025માં વિરાટ કોહલીનું બેટ શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધીમાં તેને 9 મેચમાં 65.33 ની પ્રભાવશાળી એવરેજથી 392 રન બનાવ્યા છે. કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 144.11 રહ્યો છે. આટલા શાનદાર પ્રદર્શન સાથે, કોહલી હવે ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેનાથી આગળ ફક્ત સાઈ સુદર્શન છે, જેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 417 રન બનાવ્યા છે.


