સોમવારે 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. આ સાથે, વૈભવે IPL અને T-20 ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.
વૈભવ સૂર્યવંશીની ઈનિંગના આધારે રાજસ્થાનની ટીમે ગુજરાત દ્વારા આપવામાં આવેલા 210 રનના ટાર્ગેટને માત્ર 15.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો. તેની ઈનિંગની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
તેની બેટિંગ પર કોમેન્ટ કરતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ટ્વિટ કર્યું કે ‘વૈભવની નિર્ભયતા, બેટની ગતિ અને ઉર્જા ટ્રાન્સફરને કારણે આ શાનદાર ઈનિંગ બની.’ પરિણામ 38 બોલમાં 101 રન હતું. શાનદાર રમ્યો!
ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટ્વીટ કર્યું કે ‘આ યુવા ખેલાડીની આતિશી ઈનિંગ્સ જોઈને ખૂબ આનંદ થયો!’
તેની ઈનિંગ પર દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બોલર શોન પોલોકે લખ્યું છે કે ‘આ આઈપીએલના ઈતિહાસની સૌથી મહાન ઈનિંગમાંની એક છે.’ તે ફક્ત 14 વર્ષનો છે અને મેદાનની આસપાસ કેટલાક અદ્ભુત શોટ મારે છે. તેને માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે શાનદાર છે.
વૈભવની ઈનિંગ પર, ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણે લખ્યું છે કે ‘મારો રેકોર્ડ તોડવા બદલ વૈભવ સૂર્યવંશીને અભિનંદન!’ ખાસ વાત એ છે કે તેને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે પણ આ કર્યું હતું. આ ફ્રેન્ચાઈઝીમાં ખરેખર યુવા ખેલાડીઓ માટે કંઈક ખાસ છે. ચેમ્પિયન, હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે!’
વર્લ્ડકપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ વૈભવની પ્રશંસા કરી અને કહ્યું કે ’14 વર્ષની ઉંમરે, આ બાળક વિશ્વના બેસ્ટ બોલરોનો બહાદુરીથી સામનો કરી રહ્યો છે.’ નામ યાદ રાખો, વૈભવ સૂર્યવંશી. આવનારી પેઢીનો ચમકતો તારો!


