IPL 2025ની 18મી મેચમાં, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરીને 205 રન બનાવ્યા હતા.
સામાન્ય રીતે, બેટિંગ ટીમના ખેલાડીઓ પોતાના પેડ પહેરીને તૈયાર બેસે છે. પંજાબની મેચ દરમિયાન રાજસ્થાનનો ખેલાડી જોફ્રા આર્ચર સૂતો જોવા મળ્યો. આર્ચર ડ્રેસિંગ રૂમમાં ધાબળા ઓઢીને સૂતો રહ્યો, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જોફ્રા આર્ચર સામાન્ય રીતે ખૂબ જ નીચલા ક્રમમાં બેટિંગ કરે છે, છતાં ફેન્સ આર્ચરને સૂતો જોઈને ચોંકી ગયા. ખરેખર આ તસવીર યશસ્વી જયસ્વાલના આઉટ થયાના થોડા સમય પહેલા જ સામે આવી હતી. એક ફેને કહ્યું કે જોફ્રા આર્ચર દાલ બાતી ખાધા પછી સારો આરામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ખેલાડીઓ ડગ આઉટમાં બેસીને સૂતા જોવા મળ્યા છે. પરંતુ જ્યારે કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોય છે, ત્યારે તે આરામ લેતો જોવા મળે તેવું ખૂબ જ દુર્લભ છે.
ફેન્સે આપી પ્રતિક્રિયા
રસપ્રદ વાત એ હતી કે રાજસ્થાનની અડધી ઈનિંગ પૂરી થયા પછી પણ જોફ્રા આર્ચર ઊંઘી રહ્યો હતો. પરંતુ થોડીવાર પછી, તે બેટિંગ માટે સંપૂર્ણ ગેટ-અપમાં જોવા મળ્યો, જેમાં હેલ્મેટ અને પેડ્સનો સમાવેશ થાય છે. એક વ્યક્તિએ કહ્યું કે અહીં લોકી ફર્ગ્યુસને જયસ્વાલને ક્લીન બોલ્ડ કર્યો, ત્યાં આર્ચર ઊંઘની મજા માણી રહ્યો હતો.
જ્યારે જોફ્રા આર્ચર ઊંઘ્યા પછી બોલિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે તેને ધૂમ મચાવી દીધી. તેને પંજાબ કિંગ્સની ઈનિંગ્સના પહેલા જ બોલ પર પ્રિયાંશ આર્યને ક્લીન બોલ્ડ કરીને ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો. તેને ફોર્મમાં ચાલી રહેલા પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરને માત્ર 10 રનમાં ક્લીન બોલ્ડ કર્યો.


