રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શકી હતી.
રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 67 રનની અડધી સદીની ઈનિંગ રમી, જ્યારે રિયાન પરાગે પણ 43 રનની તોફાની ઈનિંગ રમી. પંજાબ માટે નેહલ વાઢેરાએ સારું પ્રદર્શન કર્યું પરંતુ શ્રેયસ ઐયર ફ્લોપ રહ્યો.
જોફ્રા આર્ચર સામે પંજાબના ટોપ ઓર્ડરનો ફ્લોપ શો
આ મેચમાં પંજાબ કિંગ્સને 206 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો. લક્ષ્યનો પીછો કરતી વખતે, પંજાબ ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો. ઈનિંગના પહેલા જ બોલ પર, જોફ્રા આર્ચરે પ્રિયાંશ આર્યને ક્લીન બોલ્ડ કર્યો. શ્રેયસ ઐયરે આવતાની સાથે જ વિસ્ફોટક બેટિંગ કરી, પરંતુ આર્ચરે પહેલી ઓવરના છેલ્લા બોલ પર ઐય્યરને ક્લીન બોલ્ડ કર્યો.
પંજાબ ટીમની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે પ્રભસિમરન સિંહ પણ 17 રન બનાવીને આઉટ થયો. જ્યારે ટીમ માર્કસ સ્ટોઈનિસ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખી રહી હતી, ત્યારે આ ડેશિંગ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલે 78 રનની પાર્ટનરશિપ સાથે પંજાબની જીતની આશા વધારી હતી, પરંતુ બંનેએ બે બોલમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વાઢેરાએ 62 રન અને મેક્સવેલે 30 રન બનાવ્યા.
જીતની હેટ્રિક ચૂકી ગયું પંજાબ
પંજાબ કિંગ્સે IPL 2025 માં અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. પહેલી મેચમાં તેને ગુજરાત ટાઈટન્સને 11 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેને લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. પંજાબની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવીને જીતની હેટ્રિક મેળવી શકી હોત, પરંતુ અંતે તેને 50 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો.


