ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો હવે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં ટીમ માત્ર 2 જ જીતી શકી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તાજેતરમાં મળેલી કારમી હારથી ટીમની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
ખાસ વાત એ હતી કે ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ પહેલીવાર CSK ને હરાવવામાં સફળ રહ્યું. હૈદરાબાદે 18 વર્ષમાં પહેલી વાર ચેન્નાઈમાં CSK ને હરાવીને ઈતિહાસ રચ્યો.
સ્ટીફન ફ્લેમિંગે સ્વીકારી પોતાની ભૂલ
મેચ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે પોતાના નિવેદનમાં ટીમના વર્તમાન પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી અને ઓક્શનમાં થયેલી ભૂલોનો સ્વીકાર કર્યો. ફ્લેમિંગે કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે અમે અમારી બેસ્ટ ક્ષમતાઓ મુજબ પ્રદર્શન કર્યું. આપણે આપણા અભિગમ પર પુનર્વિચાર કરવાની અને સુધારવાની જરૂર છે. અમને અમારા રેકોર્ડ પર ગર્વ છે અને અમને વિશ્વાસ છે કે અમે ટૂંક સમયમાં આ મુશ્કેલ તબક્કામાંથી બહાર નીકળીશું.
પરંતુ ફ્લેમિંગે શરૂઆતમાં ટીમનો બચાવ કર્યો હતો, પરંતુ પછીથી તેને સ્વીકાર્યું કે ઓક્શનમાં વ્યૂહાત્મક ભૂલ થઈ હતી. તેમને કહ્યું કે ઘણી ટીમોએ ઓક્શનમાં અમારા કરતા સારા ખેલાડીઓ પસંદ કર્યા. અમે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં. આપણે આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
ઓક્શનની પ્રક્રિયા પડકારજનક: સ્ટીફન ફ્લેમિંગ
ફ્લેમિંગે ઓક્શનની પ્રક્રિયાને પડકારજનક ગણાવતા કહ્યું કે ઓક્શન ખૂબ જ ઝડપી ગતિએ થાય છે, તે એકસાથે લગભગ 25 ઘર ખરીદવા જેવું છે. આનાથી માનસિક અને શારીરિક થાક પણ લાગે છે. પ્રામાણિકપણે, મને હજુ પણ લાગે છે કે અમારી પાસે સારી ટીમ છે અને અમે લયમાં આવવાથી બહુ દૂર નથી.
હવે જોવાનું એ રહે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ આગામી મેચોમાં કેવી રીતે વાપસી કરે છે અને શું તેઓ પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવામાં સક્ષમ છે કે નહીં.


