સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી હેનરિક ક્લાસેનએ IPLની આ સિઝનમાં ઈતિહાસ રચ્યો છે. ક્લાસેને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે, ક્લાસેન SRH માટે 100 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે.
હેનરિક ક્લાસેને રચ્યો ઈતિહાસ
KKR સામે હેનરિક ક્લાસેનની આ સદી IPLના ઈતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. સૌથી ઝડપી સદી ફટકારવામાં, ક્લાસેન ફક્ત રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશી અને ક્રિસ ગેલથી પાછળ છે. ક્રિસ ગેલ આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે.
2013માં બેંગ્લુરુ તરફથી બેટિંગ કરતી વખતે ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. IPL 2025 ની આ જ સીઝનમાં, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. હવે હેનરિક ક્લાસેન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 37 બોલમાં સદી ફટકારીને આઈપીએલની આ રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે.
SRH એ IPL ઈતિહાસમાં બનાવ્યો ત્રીજો સૌથી મોટો સ્કોર
હેનરિક ક્લાસેનની આ સૌથી ઝડપી સદીના કારણે, સનરાઈઝર્સ હૈદરાબાદે IPL ટુર્નામેન્ટનો ત્રીજો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. હૈદરાબાદે કોલકાતા સામે ત્રણ વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા હતા. પ્રથમ બે મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે છે.
SRH એ ગત સિઝનમાં 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 287 રન બનાવીને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ સિઝનની શરૂઆતમાં, હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 286 રન બનાવીને આ સિઝનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો અને આ IPL ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર હતો.


