IPL 2025 મેગા ઓક્શનમાં જે ખેલાડી વિશે પૂછવામાં આવ્યું ન હતું તે IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. આ ખેલાડીનું નામ શાર્દુલ ઠાકુર છે. ઓક્શનમાં શાર્દુલને ખરીદવામાં કોઈ ટીમે રસ દાખવ્યો નહીં.
આ જ શાર્દુલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં વિરોધી બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સાબિત થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે વિનાશ વેર્યા બાદ, શાર્દુલે સનરાઈઝર્સ હૈદરાબાદના ટોપ ઓર્ડરને પણ ધ્વસ્ત કરી દીધો છે. શાર્દુલે બે બોલમાં જ અભિષેક શર્મા અને ઈશાન કિશનને પેવેલિયન મોકલી દીધા.
શાર્દુલે મચાવી ધૂમ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શાર્દુલ ઠાકુરે કેપ્ટનના આ નિર્ણયને ત્રીજી ઓવરમાં જ સાચો સાબિત કરી દીધો. શાર્દુલે ઓવરના પહેલા જ બોલ પર અભિષેક શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. અભિષેકની ઈનિંગનો અંત શાર્દુલ દ્વારા માત્ર 6 રનના સ્કોર પર થયો. આ પછી, બીજા જ બોલ પર, શાર્દુલે ગયા મેચનો સેન્ચ્યુરિયન ઈશાન કિશનની ઈનિંગનો અંત લાવ્યો. શાર્દુલે ઈશાનને પોતાનું ખાતું ખોલવાની પણ તક આપી ન હતી અને તેને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલી દીધો હતો. આ સિવાય પેટ કમિંસને અને મોહમ્મદ શમીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
દિલ્હી સામે પણ છોડી દીધી છાપ
શાર્દુલ ઠાકુરે દિલ્હી કેપિટલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સને આવી જ શરૂઆત અપાવી હતી. શાર્દુલે ઈનિંગની પહેલી જ ઓવરમાં જેક ફ્રેઝર મેકગર્ક અને અભિષેક પોરેલને પેવેલિયન મોકલી દીધા હતા. ફ્રેઝરને શાર્દુલ દ્વારા માત્ર એક રનના સ્કોર પર આઉટ કરવામાં આવ્યો હતો, જ્યારે અભિષેકને શાર્દુલ દ્વારા ખાતું ખોલવાની તક પણ આપવામાં આવી ન હતી. તેને IPL 2025 મેગા ઓક્શનમાં તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી, પરંતુ તેને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. પરંતુ મોહસીન ખાન ફિટ ન હોવાને કારણે, લખનૌ સુપર જાયન્ટ્સે શાર્દુલને તેમની ટીમમાં સામેલ કર્યો છે.


