ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા સમાચારમાં રહે છે. તેઓ પછી ભલે તે IPLમાં રન બનાવે કે ન બનાવે. શનિવારે તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક ખાતે દિલ્હી કેપિટલ્સ સામે 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ અને તેના લાખો ચાહકો આ મેચમાં ધોની પાસેથી જીતની અપેક્ષા રાખતા હતા. પરંતુ તે શક્ય ન બન્યુ તેણે 26 બોલમાં 30 રન બનાવીને અણનમ પાછો ફર્યો.
ત્યારે ફરી એકવાર તેમના પ્રદર્શન અને સીએસકેની હાર પર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ ધોની પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ધોનીએ CSKનું નેતૃત્વ કરતી વખતે IPL 2023 જીત્યા પછી નિવૃત્તિ લેવી જોઈતી હતી. તેમના મતે ધોની માન ગુમાવી રહ્યો છે કારણ કે તે લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમને જીત અપાવી શકતો નથી.
ધોનીની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ
તમને જણાવી દઈએ કે ધોની ઘણા વર્ષોથી ચેન્નાઈ સુપર કિંગ્સ લાઇનઅપમાં એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. જોકે, આ વર્ષે તેમનો જાદુ દેખાતો નથી. આ જ કારણ છે કે તેની ટીમ પણ આ સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. ધોનીએ અત્યાર સુધી ચાર મેચમાં 76 રન બનાવ્યા છે, પરંતુ ચાહકો અને નિષ્ણાતોએ તેની બેટિંગ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
ધોની માટે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય 2023 હતો – તિવારી
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં જ્યારે CSK ને 9.2 ઓવરમાં 110 રનની જરૂર હતી, ત્યારે ધોની તેના મનપસંદ બેટિંગ પોઝિશન નંબર 7 પર બેટિંગ કરવા આવ્યો. ‘ક્રિકબઝ’ પર તેના વિશે વાત કરતા તિવારીએ કહ્યું, ‘મને લાગે છે કે તેના માટે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય 2023 હતો, જ્યારે તેણે IPL ટ્રોફી જીતી હતી. તેમણે ત્યારે જ નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી. મને લાગે છે કે તેમણે ક્રિકેટમાંથી જે પણ નામ, ખ્યાતિ અને સન્માન મેળવ્યું છે તે છેલ્લા બે વર્ષમાં તે જે રીતે રમી રહ્યો છે તેના કારણે બધુ ગુમાવી રહ્યો છે.
આ ભૂતપૂર્વ ખેલાડીએ ચેન્નાઈના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગની ટિપ્પણી પર પણ સવાલ ઉઠાવ્યા, જેમાં તેમણે કહ્યું હતું કે ધોની 10 ઓવરથી વધુ બેટિંગ કરી શકતો નથી. તિવારીએ કહ્યું કે આ નિર્ણયો ફ્રેન્ચાઇઝીના હિતમાં લેવામાં આવી રહ્યા નથી.


