વર્ષ 2025-2027ની આઈપીએલની તમામ સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. તેવામાં એક નવું અપડેટ સામે આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સહિત 7 દેશોએ તેમના ખેલાડીઓને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી ત્રણ સિઝનમાં ભાગ લેવા માટે છૂટ આપી છે. જોકે આપને એ પણ જણાવી દઈએ કે આમાં પાકિસ્તાનનું નામ સામેલ નથી, જેના ખેલાડીઓ 2008 પછી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યા નથી.
ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેએ તેમના ખેલાડીઓને આગામી ત્રણ સીઝન માટે આઈપીએલમાં રમવા માટે છૂટ આપી છે. ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે રમતા ખેલાડીઓ પણ આગામી ત્રણેય સિઝનમાં રમતા જોવા મળશે. પરંતુ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હ જેવી સ્થિતિ છે. જ્યાં સુધી બાંગ્લાદેશની ટીમનો સવાલ છે, શાકિબ અલ હસનને ત્રણેય સિઝન રમવાની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ અન્ય ખેલાડીઓ થોડા સમય માટે ઉપલબ્ધ રહી શકે છે.
પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ક્રિકેટ જંગ
એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, IPL 2025 14 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 25 મેના રોજ રમાશે. વર્ષ 2026માં, ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T20 અને 3 ODI મેચ રમાવાની છે. આ સીરીઝ T20 વર્લ્ડ કપ 2026 પછી તરત જ રમાશે. આ વિષય પર એક નવું અપડેટ પણ સામે આવ્યું છે કે જે ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2024નો ભાગ હશે તેમને પાકિસ્તાન શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે અને તેમને IPLમાં રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે.
વર્ષ 2027માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થવા પર મેલબોર્નમાં એક ખાસ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યા છે. આ મેચ માર્ચમાં રમાવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીઓને આ મેચમાંથી આરામ આપવામાં આવશે અને તેમને IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે BCCIએ હાલમાં જ એક નિયમ જારી કર્યો હતો કે જો કોઈ વિદેશી ખેલાડી હરાજી માટે ઉપલબ્ધ ન હોય અથવા સીઝનની શરૂઆત પહેલા ટીમ છોડી દે તો તેને 2 વર્ષનો પ્રતિબંધ ભોગવવો પડશે.