- કાઉન્ટી ટીમના શેરધારકો શેર વેચવા માટે વાતચીત કરી રહ્યા હોવાનો દાવો
- રાજસ્થાન રોયલ્સ સાથે હેમ્પશાયર જોડાયું હતું
- ઇસીબીની ખાસ યોજના
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાથી જ દુનિયાભરમાં સૌથી વધારે ફોલો કરાતી અને આવક રળતી લોકપ્રીય ક્રિકેટ લીગ છે. આઇપીએલ હવે યૂરોપ તરફ આગળ વધી રહી છે. અહેવાલો અનુસાર આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે ઇંગ્લિશ કાઉન્ટી ટીમ હેમ્પશાયરમાં હિસ્સેદારી ખરીદવામાં રસ દેખાડયો છે. અહેવાલો અનુસાર દિલ્હી કેપિટલ્સના સહ માલિક જીએમઆર ગ્રુપે હેમ્પશાયરના પ્રમુખ રૉડ બ્રેન્સગ્રોવ સાથે શેર ખરીદવા અને વેચવા અંગે વાતચીત કરી હતી. બ્રેન્ગ્રોવ પાસે હેમ્પશાયરની મોટાભાગની હિસ્સેદારી છે. રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના મોટાભાગના શેરધારકો ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સના સહ-માલિકો સાથે પોતાની ભાગીદારી વેચવા માટે વાતચીત કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર જો આ સોદા પર સહમતિ સધાય તો હેમ્પશાયર કોઇ વિદેશી ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી પહેલી ઇંગ્લિશ કાઉન્ટી ટીમ બની જશે. સામાન્ય રીતે વિચારવામાં આવતા લાભ ઉપરાંત એક આઇપીએલ ફ્રેન્ચાઇઝીનો ઇંગ્લેન્ડમાં પેસારો કરવાનો આ મોટો પ્રયાસ ગણાશે. ઇંગ્લેન્ડમાં ફ્રેન્ચાઇઝી આધારિત 100 બોલ ટૂર્નામેન્ટ, ધ હન્ડ્રેડની લોકપ્રિયતા વધારવાની સાથે આ સોદો ફાયદો કરાવી શકે છે.
ઇસીબીની ખાસ યોજના
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ ઘણી ધ હન્ડ્રેડ ટીમોમાં 50 ટકા ભાગીદારી ખોલવાની સંભાવના ચકાસી રહ્યું છે. જેનાથી યજમાન કાઉન્ટીઓને પોતાના શેર વેચવાનો વિકલ્પ મળી શકે. દરમિયાન લગભગ બે દાયકા (23 વર્ષ) સુધી ક્લબના પ્રભારી રહ્યા બાદ બ્રેન્સગ્રોવે ગયા વર્ષે અધ્યક્ષના રૂપમાં પોતાનો હોદ્દો છોડી દીધો હતો. જોકે, તેમણે હેમ્પશાયરમાં 60 ટકા હિસ્સેદારી જાળવી રાખી હતી.
રાજસ્થાન રોયલ્સ સાથે હેમ્પશાયર જોડાયું હતું
હેમ્પશાયર 2010 થી 2013 સુધી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલું હતું. ત્યારે તેમની ટીમને હેમ્પશાયર રોયલ્સ કહેવાતી હતી. જીએમઆર ગ્રુપ પાસે આઇપીએલ અને મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ ટીમની 50 ટકા ભાગીદારી છે. જીએમઆર યૂએઇની આઇએલટી20માં દુબઇ કેપિટલ્સ ટીમની પણ માલિક છે. યૂએસની મેજર લીગ ક્રિકેટ ટીમ સિએટલ ઓર્કાસમાં પણ તેનો હિસ્સો છે.


