- ઈરાન-પાકિસ્તાન ગેસ પાઇપલાઇન ખોરંભે ચઢ્યો
- પ્રોજેક્ટની સમયમર્યાદા 180 દિવસ વધારી દેવાઈ
- પાક. માટે મિસાઇલ વોર કરતાં પણ જોખમી દંડની રકમ
ઈરાન પાકિસ્તાન પર 18 અરબ ડોલરનો દંડ ફટકારવાની તૈયારીઓ કરી રહ્યું છે. જેણે લઈને ઇરાને પાકિસ્તાનને નોટિસ પણ ફટકારી છે. પાકિસ્તાન માટે દંડની રકમ બંને દેશો વચ્ચે ચાલી રહેલ મિસાઇલ વોર કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાન માટે 18 અરબ ડોલરની રકમ ખૂબ જ મોટી છે.
વાસ્તવમાં, ઈરાન-પાકિસ્તાન ગેસ પાઇપલાઇન પરિયોજનામાં પાકિસ્તાન કામ નથી કરી રહ્યું. આ દરમિયાન પાકિસ્તાનની સામે ઈરાન આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા માટે જઈ શકે છે અને તેના માલે પાકિસ્તાન પર 18 અરબ ડોલરનો દંડ પણ ફટકારી શકે છે. હાલ તો એક રિપોર્ટ મુજબ, ઈરાન તરફથી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટની સમયમર્યાદા 180 દિવસ વધારીને સપ્ટેમ્બર 2024 સુધીની કરી દેવામાં આવી છે.
સરહદ પર તણાવને કારણે ન પહોંચી ટીમ: અધિકારી
પાકિસ્તાનના એક અધિકારીને ટાંકીને પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ ને પૂર્ણ કરવા માટે પોતાની કાનૂની અને ટેકનિકલ ટીમોને મોકલવાની વાત કરી હતી. ઈરાનના નિષ્ણાંત ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈને વાતચીત કરવા માટે 21 જાન્યુઆરીના રોજ પાકિસ્તાન આવનાર હતા પરંતુ બંને દેશો વચ્ચે સરહદી તણાવ વધતાં ટીમો હજુ સુધી પાકિસ્તાન નથી આવી શકી.
એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈરાનના નિષ્ણાંતો ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પાકિસ્તાન આવશે. આ દરમિયાન બંને દેશોની કોઓર્ડિનેશન કમિટી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રણનીતિ તૈયાર કરશે. જાણવા મળી રહ્યું છે કે ઈરાન તરફથી આ ટીમોમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓના જાણકાર અને એન્જિનિયરિંગના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હશે.
પાકિસ્તાનને ઈરાન આપી ચૂક્યું છે ત્રણ વખત નોટિસ
એક રિપોર્ટ અનુસાર, 2014થી આ પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. ઈરાને આ અંગે પાકિસ્તાનને અત્યાર સુધીમાં ત્રણ વખત નોટિસ ફટકારી છે. ઈરાને છેલ્લી લગભગ 25 દિવસ પહેલા નોટિસ આપી હતી. આ પહેલા ઈરાને વર્ષ 2022ના છેલ્લા મહિનામાં પાકિસ્તાનને બીજી નોટિસ આપી હતી. આ દરમિયાન ઈરાને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો પ્રોજેક્ટ પર કામ નહીં થાય તો પાકિસ્તાન 18 અબજ ડોલરનો દંડ ભરવા માટે તૈયાર રહે. આ પહેલા ઈરાને વર્ષ 2019માં પાકિસ્તાનને પહેલી નોટિસ મોકલી હતી.
પાકિસ્તાનના જવાબ પર શું કર્યું ઈરાને?
ઈરાન-પાકિસ્તાન ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટને લઈને પાકિસ્તાનનું કહેવું છે કે અમેરિકાએ ઈરાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે પ્રોજેક્ટ ખોરંભે ચઢી રહ્યો છે. પાકિસ્તાનના આ પ્રકારના જવાબ પર ઈરાનનું કહેવું છે કે અમેરિકન પ્રતિબંધોનું બહાનું આપીને હાથ અધ્ધર કરી દેવા યોગ્ય નથી. ઈરાક અને તુર્કી લાંબા સમયથી ઈરાની ગેસનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે ઈરાન અને તુર્કીએ અમેરિકી પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવી છે.


