- ઇઝરાયલ પર ગમે ત્યારે હુમલો કરવાની ઈરાનની તૈયારી
- ઈરાની નૌસેનાએ ઈઝરાયેલનું એક કન્ટેનર જહાજ જપ્ત કર્યું
- હોર્મુઝ સ્ટ્રેટની નજીક ઓમાનની ખાડીમાં ઈરાનની કાર્યવાહી
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઇરાને જ્યાં એક તરફ ગમે ત્યારે ઇઝરાયલ પર હુમલો કરવાની તૈયારી કરી લીધી છે તો ઇઝરાયલ પણ ઈરાનના હુમલાનો જવાબ આપવા માટે તૈયારી બતાવી છે. આ દરમિયાન ઈરાની નૌસેનાએ ઈઝરાયેલનું એક કન્ટેનર જહાજ જપ્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ, ઈરાન દ્વારા જપ્ત કરવામાં આવેલું આ જહાજ ઈઝરાયેલના અબજોપતિ ઈયલ ઓફરનું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જહાજ ભારત આવી રહ્યું હતું. જણાવી દઈએ કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો થયો હતો. જેમાં એક જનરલ સહિત 12 લોકોના મોત થયા હતા.
ઓમાનની ખાડીમાં કાર્યવાહી
જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનની નૌસેનાએ હોર્મુઝ સ્ટ્રેટની નજીક ઓમાનની ખાડીમાં આ કાર્યવાહી કરી છે. પહેલા ઈઝરાયેલના જહાજ પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઈરાની નૌસેનાએ જહાજ પર કબજો કરી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ જહાજ ઈઝરાયેલના અબજોપતિ ઈયલ ઑફરના જોડિયાક ગ્રુપ સાથે સંકળાયેલું છે. જો કે આ અંગે હજુ સુધી તેમની તરફથી કોઈ ટિપ્પણી આવી નથી.
છેલ્લે દુબઈથી હોર્મુઝ તરફ જતું જોવા મળ્યું હતું જહાજ
સુરક્ષા દળોએ એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ અગાઉ ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ જહાજનું નામ MSC Aries છે અને તે છેલ્લે શુક્રવારે દુબઈથી હોર્મુઝ જતા જોવા મળ્યું હતું. અહેવાલ છે કે જહાજે તેના ટ્રેકિંગ ડેટાને સ્વિચ ઓફ કરી દીધો હતો. આ વિસ્તારમાંથી પસાર થતી વખતે ઇઝરાયેલી જહાજો ઘણીવાર ટ્રેકિંગ ડેટા બંધ કરી દે છે.


