રશિયા અને ચીને ઇરાન પરના હુમલા માટે ઇઝરાયલની નિંદા કરી છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન સતત એકબીજા પર બોમ્બમારો કરી રહ્યા છે. ઇરાન અંગેના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન અને ત્યારબાદ રશિયા અને ચીનની પ્રતિક્રિયાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આ ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધ તરફ ખેંચ્યું છે. તે દરમિયાન, ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું છે કે, ઇઝરાયલ અમેરિકા પાસેથી મદદ માગવાનું એ સંકેત છે કે તે નબળું પડી ગયું છે.
ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીનું નિવેદન
‘અમેરિકા પાસેથી મદદ માગવી એ સ્પષ્ટ સંકેત છે કે ઇઝરાયલ નબળું પડી ગયું છે’, ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીનું નિવેદન સામે આવ્યુ છે. ખામેનીએ ઇરાનના લોકોને અપીલ કરી અને કહ્યું કે તેઓએ આજ સુધી જે હિંમત બતાવી છે તે ચાલુ રાખવી જોઈએ. ખામેનીએ X પર પોસ્ટ કરી તેમણે લખ્યું, “હું મારા પ્રિય દેશને કહેવા માંગુ છું કે જો દુશ્મનને ખબર પડે કે તમે તેમનાથી ડરો છો, તો તેઓ તમને છોડશે નહીં. તમે આજ સુધી જે હિંમત બતાવી છે તે ચાલુ રાખો.” કુરાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “વિજય ફક્ત અલ્લાહ તરફથી જ આવે છે, સર્વશક્તિમાન ભગવાન ચોક્કસપણે ઈરાની રાષ્ટ્ર, સત્ય અને સાચા પક્ષને જીત અપાવશે.”
ટ્રમ્પે ઈરાનને શરણાગતિ સ્વીકારવાનું કહ્યું
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કહે છે કે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ફક્ત ખામેનીના અંત સાથે જ બંધ થશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કોઈપણ શરત વિના શરણાગતિ સ્વીકારવાનું કહ્યું છે. ઈરાન પર અમેરિકાના વલણને જોઈને, ચીન અને રશિયાએ પણ પ્રતિક્રિયા આપી છે, જેના કારણે આ યુદ્ધ ક્યાં સુધી જશે તે અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. રશિયાએ અમેરિકાને લશ્કરી હસ્તક્ષેપ સામે ચેતવણી આપી છે. રશિયન નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે કહ્યું કે જો અમેરિકા ઈરાન સામે પોતાની સેના મોકલશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે.


