- ઈરાન અને હિઝબુલ્લાહ આક્રમક મૂડમાં । મિડલ ઈસ્ટમાં તંગદિલી ચરમસીમાએ
- ઈઝરાયેલની મદદ માટે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ ફોર્સના જનરલ ઈઝરાયેલ પહોંચ્યા
- અમેરિકાએ મિડલ ઈસ્ટમાં તેના વિમાનવાહક જહાજ અને શસ્ત્રોનો ખડકલો વધારી દીધો
હમાસનાં ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થવાનાં ભણકારા વાગી રહ્યા છે. મિડલ ઈસ્ટનાં દેશોમાં તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. અમેરિકા અને ઈઝરાયેલનાં અધિકારીઓનાં માનવા મુજબ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર સોમવારે ભીષણ હુમલો થઈ શકે છે.
આવા અહેવાલો પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાનનાં હુમલાનો સામનો કરવા ઈઝરાયેલની મદદ માટે અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડ ફોર્સનાં જનરલ માઈકલ કુરેલા તેલઅવીવ પહોંચી ગયા છે. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં તેનાં વિમાનવાહક જહાજ અને શસ્ત્રોનો ખડકલો વધારી દીધો છે. અમેરિકાનાં સૈનિકો અને ઈઝરાયેલની સુરક્ષા માટે અમેરિકાએ નવા ફાઈટર જેટ્સ, ડિસ્ટ્રોયર્સ તેમજ વિમાનવાહક જહાજ મોકલ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ કહ્યું છે કે તે ઈઝરાયેલની કોઈપણ ભોગે મદદ કરવા તૈયાર છે. બીજી તરફ ઈરાન અને હિઝબુલ્લાહ પણ હાનિયાનાં મોતનો બદલો લેવા આક્રમક મૂડમાં છે. ઈરાનનાં હુમલાનો સામનો કરવા અને તેનો જડબાતોડ જવાબ આપવા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લેબેનોન સ્થિત હિઝબુલ્લાહ અને ઈરાન સમર્થિત ગ્રૂપ દ્વારા ઈઝરાયેલ પર ભીષણ હુમલો કરવામાં આવશે. ઈઝરાયેલ દ્વારા તેનો આક્રમક જવાબ આપવામાં આવશે.
ઈઝરાયેલનો ગાઝાની સ્કૂલ પર હુમલો : 18નાં મોત
બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે. શનિવારે ઈઝરાયેલની સેના દ્વારા ગાઝામાં એક સ્કૂલ પર હવાઈ હુમલો કરાયો હતો જેમાં 18 પેલેસ્ટાઈનવાસીઓનાં મોત થયા હતા. આ સ્કૂલનો ઉપયોગ હમાસ દ્વારા મિલિટરી કમાન્ડ સેન્ટર તરીકે કરવામાં આવતો હતો. હુમલા પછી સ્કૂલનાં બિલ્ડિંગમાં આગ લાગી હતી અને લોકોમાં જીવ બચાવવા નાસભાગ મચી હતી. ઈઝરાયેલ દ્વારા હમાસનાં કબજામાં રહેલા વેસ્ટ બેન્ક પર પણ હુમલો કરાયો હતો જેમાં એક સ્થાનિક કમાન્ડર સહિત 9 આતંકવાદીઓનાં મોત થયા હતા.
ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ દ્વારા 50થી વધુ રોકેટ દાગવામાં આવ્યા
હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની નવી બસ્તી બીટ હિલેલ પર 50થી વધુ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ દ્વારા ગાઝામાં પેલેસ્ટાઈનનાં ગામો પર જે હુમલો કરાયો તેનો બદલો લેવા હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની વસ્તીને ટાર્ગેટ બનાવાઈ હતી. આ હુમલામાં કેટલાક નાગરિકો ઘવાયા હોવાનું જાણવા મળે છે. જો કે ઈઝરાયેલનાં આયર્ન ડોમ દ્વારા હુમલાને ખાળવામાં આવ્યા છે.
કેટલાક દેશો દ્વારા તેમના નાગરિકોને વહેલી તકે લેબેનોન છોડવા આદેશ
અમેરિકા સહિત કેટલાક દેશોએ મિડલ ઈસ્ટની તંગદિલીને ધ્યાનમાં રાખીને તેમનાં નાગરિકોને વહેલામાં વહેલી તકે લેબેનોન છોડવા ફરમાન કર્યું છે. યુકે, સ્વીડન, ફ્રાન્સ, કેનેડા અને જોર્ડને પણ તેમનાં નાગરિકોને લેબેનોનમાંથી વહેલી તકે બહાર નીકળી જવાની એડવાઈઝરી જાહેર કરી છે. ભારતે પણ હમણા મિડલ ઈસ્ટનો પ્રવાસ નહીં કરવા નાગરિકોને તાકીદ કરી છે.
રશિયાએ પણ ઈરાન યુદ્ધ માટે તહેરાનને વધુ શસ્ત્ર સરંજામ મોકલ્યો
અમેરિકાએ ઈઝરાયેલને શસ્ત્રોનો વધુ જથ્થો મોકલ્યા પછી રશિયાએ પણ વળતા જવાબ રૂપે ઈરાનને વધુ શસ્ત્ર સરંજામ મોકલ્યો છે. બીજી તરફ બ્રિટન અને ઈઝરાયેલને ટેકો આપનાર દેશો દ્વારા ઈઝરાયેલમાં મોટા જથ્થામાં શસ્ત્રો મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રશિયા યુક્રેન યુદ્ધ માં અમેરિકા દ્વારા રશિયા વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીથી છંછેડાયેલા રશિયાએ મિડલ ઇસ્ટ સંઘર્ષમાં ખૂલીને ઈરાનનો સાથ આપ્યો છે.


