- પશ્ચિમ એશિયામાં તણાવમાં સતત વધારો
- અમેરિકા અને બ્રિટને લીધો મોટો નિર્ણય
- ભવિષ્યમાં પણ ચાલુ રહેશે કાર્યવાહી: અમેરિકા
ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન, અમેરિકા અને બ્રિટન દ્વારા ઇરાનના લશ્કરી ડ્રોન પ્રોગ્રામ પર વ્યાપક પ્રતિબંધોની જાહેરાત કરી છે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકા અને બ્રિટને લીધો મોટો નિર્ણય
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 16 વ્યક્તિઓ અને બે સંસ્થાઓ કે જેઓ ઈરાનના ડ્રોન પ્રોગ્રામને સક્ષમ કરે છે તેના પર યુએસ દ્વારા નજીકથી નજર રાખવામાં આવી રહી છે. તેમના દ્વારા તૈયાર કરાયેલા ડ્રોનનો ઉપયોગ 13 એપ્રિલે ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે અમેરિકા ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમો પર નવા પ્રતિબંધો લગાવશે. આ સિવાય બ્રિટન ઈરાનના UAV અને બેલેસ્ટિક મિસાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા અનેક સૈન્ય સંગઠનો, વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પણ પ્રતિબંધો લાદી રહ્યું છે.
ભવિષ્યમાં પણ ચાલુ રહેશે કાર્યવાહી: અમેરિકા
અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને એક નિવેદનમાં કહ્યું કે આજે બ્રિટન સાથે લાંબી ચર્ચા બાદ અમે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમે ઈરાનની આ જીવલેણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે.


