- ભારતમાં સત્તાવાર રીતે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી
- રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીનું દુર્ઘટનામાં મોત થયું છે
- નવી દિલ્હી ખાતે ઈરાનની રાજદૂત કચેરી પર ધ્વજ અડધી કાઠીએ ચઢાવ્યો
ઈરાનમાં રવિવાર ગોઝારો સાબિત થયો છે. કારણ કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રીનું દુર્ગમ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થતા અવસાન થયું હતું. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. જેથી ભારત પણ ઈરાનના શોકમાં સામેલ થઈ એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના માનમાં સમગ્ર ભારતમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી હતી. સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિત રીતે લહેરાવાય છે ત્યાં તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ જુકાવવામાં આવશે અને રાજ્યના શોકના સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં હોય. ઉત્તર-પશ્ચિમ ઈરાનના પહાડી વિસ્તારમાં ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થતાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી અને અન્ય લોકો માર્યા ગયા હતા.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “મૃતક મહાનુભાવોના આદરના ચિહ્ન તરીકે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ જુકાવવામાં આવશે.” ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે અને તે દિવસે કોઈ સત્તાવાર કાર્યક્રમો નહીં થઈ શકે.


