- હમાસ અને ઇઝરાયેલ વચ્ચે હવે ઈરાન પણ લડી લેવાના મૂડમાં
- ઈઝરાયેલે ઉત્તર ગાઝામાંથી 1.1 મિલિયન લોકોને સ્થળાંતર કરવા આપ્યો આદેશ
- યુદ્ધનું પરિણામ ભોગવવા ઈઝરાયેલ રહો તૈયાર: ઈરાન
ઇઝરાયેલની સેનાએ હમાસ શાસિત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરીને વળતો જવાબ આપ્યો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટીના અનેક આતંકી અડ્ડાને નિશાન બનાવ્યું છે. અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. ઇઝરાયેલના સર્ચ ઓપરેશનમાં હમાસમાં લગભગ બંધકોને બચાવ્યા છે. જોકે લગભગ 150 બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝામાં કંઇપણ મંજૂરી આપવામાં આવશે નહીં તેવી ઇઝરાયેલ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ઈઝરાયેલને નષ્ટ કરવા હમાસે 15 મુદ્દા પર બનાવી રણનીતિ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિમાં હવે ઈરાને ઈઝરાયેલને ખુલ્લેઆમ ધમકી આપી છે. ઈરાને ધમકી આપતા કહ્યું હતું કે, જો ગાઝા પર બોમ્બ ધડાકા બંધ નહીં કરે તો યુદ્ધના પરિણામ ભોગવવા માટે તૈયાર થવું પડશે. જો ઈઝરાયેલ ગાઝા પર ચાલી રહેલા હુમલા બંધ નહીં કરે તો અન્ય મોરચે યુદ્ધ શરૂ થઈ શકે છે. એટલું જ નહીં, આતંકવાદી સંગઠન હમાસે પણ ઈઝરાયેલને ધમકી આપતા કહ્યું કે અમે ઈઝરાયેલને નષ્ટ કરવા માટે 15 મુદ્દાની યોજના તૈયાર કરી છે, હુમલો એવો થશે કે ઈઝરાયેલે સપનામાં પણ વિચાર્યું ન હોય.
ઈઝરાયેલે ઉત્તર ગાઝામાંથી 1.1 મિલિયન લોકોને સ્થળાંતર કરવા આપ્યો આદેશ
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ ઈઝરાયેલે ઉત્તર ગાઝામાંથી 1.1 મિલિયન લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરશે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 27 અમેરિકન નાગરિકોના મોત થયા છે અને 14 લોકો ગુમ છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ ભારત એવો પહેલો દેશ છે જેણે ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા હતા.
યુદ્ધમાં હજારોની સંખ્યામાં લોકોના થયા મોત
ઉલ્લેખનીય છે કે પેલેસ્ટિનિયન સંગઠન હમાસે ગયા શનિવારે ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 1200 લોકોના મોત થયા છે. બીજી તરફ ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી, ઈંધણ અને ખોરાકનો સપ્લાય બંધ કરી દીધો છે. ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં 1500થી વધુ લોકોના મોત થયા છે.