- આગ લાગવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત, 18 લોકો ઘાયલ
- કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ ઘટનાની તપાસ સમિતિની રચના કરી
- આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે
ઈરાકના ઉત્તરી શહેર એર્બિલમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે (8 ડિસેમ્બર) સાંજે બની હતી. મળતી માહિતિ અનુસાર, એર્બિલની પૂર્વમાં આવેલા નાના શહેર સોરાનમાં એક બિલ્ડિંગ (હોસ્ટેલ)માં આગ લાગી હતી. સરકારી મીડિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માહિતિ મુજબ, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.
ઇરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે
ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે. આનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.
ભૂતકાળ અકસ્માતોથી ભરેલો છે
ઈરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે. જો કે આ ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે, પરંતુ ઈરાકમાં આવા અકસ્માતોમાં લોકો સૌથી વધુ જીવ ગુમાવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નથી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.


