- ચીન સતત કરી રહ્યું છે તાઈવાન એરસ્પેસનું ઉલ્લંઘન
- મિત્ર દેશ તાઈવાનની મદદ કરવા આવ્યું અમેરિકા
- ચીનને ચારે બાજુથી ઘેરીને પોતાની શક્તિ બતાવતું યુએસ
અમેરિકાએ ચીનને પાઠ ભણાવવાનું મન બનાવી લીધું હોય તેમ લાગે છે. આ જ કારણ છે કે અમેરિકન પેસિફિક એરફોર્સે પ્રશાંત મહાસાગરમાં આવેલ ગુઆમમાં પોતાના પરમાણુ બોમ્બર B-52ને તૈનાત કરી દીધું છે. અગાઉ આ બોમ્બર એરક્રાફ્ટ નોર્થ ડાકોટામાં તૈનાત કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમેરિકાના આ પગલા પાછળનો મુખ્ય ઈરાદો ચીનને તેની ઓકાત બતાવવાનો છે.
ચીન સતત કરી રહ્યું છે તાઈવાન એરસ્પેસનું ઉલ્લંઘન
છેલ્લા કેટલાંક સમયથી ચીન સતત તાઈવાનની એરસ્પેસનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ કારણે અમેરિકન સેના તેની મદદ માટે આગળ આવી છે. તાજેતરમાં જ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીન પર આરોપ લગાવ્યો હતો કે તેના J-10 અને J-11 લડાકુ વિમાનોએ સ્ટ્રેટ ઓફ મેડિયન લાઇનને પાર કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્ટ્રેટ ઓફ મેડિયન લાઇન એ ચીન અને તાઈવાન વચ્ચેનો બિનસત્તાવાર જળ સરહદ વિસ્તાર છે.
બોમ્બર B-52ની વિશેષતાઓ
B-52 બોમ્બર લાંબા અંતરનું સબસોનિક જેટ સંચાલિત બોમ્બર એરક્રાફ્ટ છે. આ પ્લેન અમેરિકાના સૌથી જૂના પ્લેનમાંથી એક છે. આ એરક્રાફ્ટ દ્વારા, અમેરિકન સેના લગભગ 50,000 ફૂટ (15,166.6 મીટર)ની ઊંચાઈથી દુશ્મનના પ્રદેશ પર સરળતાથી હુમલો કરવામાં કુશળ છે.
યુએસ એસફોર્સે આપ્યું નિવેદન
યુએસ એરફોર્સનું કહેવું છે કે B-52 બોમ્બરને નોર્થ ડાકોટાથી હટાવીને પાંચમી બોમ્બ વિંગને આપવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટને જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં એન્ડરસન એરફોર્સ બેઝ પર તૈનાત કરવામાં આવ્યું હતું. આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય અને પેસિફિક ક્ષેત્રમાં નિયમો અનુસાર આંતરરાષ્ટ્રીય સિસ્ટમનો અમલ કરવાનો છે.
અમેરિકાએ આ પગલું કેમ ભર્યું?
હાલમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો ખાસ સારા નથી ચાલી રહ્યા. આ જ કારણ છે કે ચીનને ચારે બાજુથી ઘેરવા માટે અમેરિકી સેના ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહી છે. આ ઉપરાંત તે આ વિસ્તારોમાં પોતાના સહયોગી દેશો સાથે કવાયત પણ કરી રહી છે. જેમાં જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.


