જેને આપણે હિંસા કહીએ છીએ તેના તરફ જ્યારે તમે પૂરેપૂરું ધ્યાન આપો ત્યારે શું થાય? માનવીને માન્યતા દ્વારા, જૂના સંસ્કારોનાં બંધનો દ્વારા એકબીજાથી વ્યક્તિગતપણે અલગ કરે છે માત્ર તેવી હિંસા નહીં, પરંતુ જ્યારે આપણે અંગત સલામતી શોધીએ છીએ કે સમાજિક માળખા દ્વારા વ્યક્તિગત સુરક્ષાના સંદર્ભમાં થતી હિંસાનો પણ આ હિંસામાં સમાવેશ થઈ જાય છે.
જ્યારે તમે એ હિંસાને ધ્યાનથી જોતા હો ત્યારે શું થાય છે? જ્યારે તમે કોઈ પણ બાબત પ્રત્યે પૂરેપૂરું ધ્યાન આપો જે રીતે તમે તમારી પત્ની કે તમારા પતિ પ્રત્યે જુઓ ત્યારે ધ્યાન આપો છો- તે રીતે ધ્યાન આપો ત્યારે શું થાય છે? કદાચ આપણામાંના મોટાભાગના લોકોએ કોઈ બાબત પર પૂરેપૂરું ધ્યાન આપ્યું જ નથી, પરંતુ જો તમે પૂરેપૂરું ધ્યાન આપો તો શું થાય છે? સજ્જનો, પૂરેપૂરું ધ્યાન આપવું એટલે કે અવધાન દાખવવું એટલે શું? એ નક્કી છે કે જ્યારે તમે પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા હો ત્યારે તેમાં કાળજી હોય છે અને જો તમારામાં સ્નેહ ન હોય, પ્રેમ ન હોય તો તમે કાળજી રાખી શકો નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં તમે પૂરેપૂરું ધ્યાન આપો તો શું ત્યાં હિંસા રહે? શું તમને સમજાય છે? હું ઔપચારિકપણે હિંસાને ધિક્કારું છું, હું તેનાથી ભાગી છૂટ્યો છું, મેં તેને વાજબી ઠરાવી છે, મેં કહ્યું છે કે તે સ્વાભાવિક છે. આ બધી જ બાબતો દર્શાવે છે કે તમે પૂરેપૂરું ધ્યાન નથી આપ્યું, પરંતુ જેને મેં હિંસા કહી છે તેના પર હું ધ્યાન આપું અને ધ્યાન આપવામાં કાળજી રાખું, ત્યાં સ્નેહ હોય, પ્રેમ હોય તો પછી ત્યાં હિંસા માટે જગ્યા જ ક્યાં રહે છે?
હિંસાનો અંત
જ્યારે તમે હિંસા વિષે વાતચીત કરો છો ત્યારે તેનો તમે શો અર્થ કરો છો? જો તમે તેમાં ઊંડા ઊતરીને એ તપાસ કરશો કે શું આ વિશ્વમાં વસતો માણસ હિંસક બનતો સાવ અટકી શકે કે નહીં? સમાજે અને ધાર્મિક સમુદાયોએ પ્રાણીઓની હત્યા ન કરવાની બાબત અજમાવી જોઈ છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે: `જો તમે પ્રાણીઓને મારવા ન ઈચ્છતા હો તો વનસ્પતિ વિષે શું? આ વાતને તમે ત્યાં સુધી આગળ લઈ જઈ શકો કે જ્યાં તમારું ખુદનું અસ્તિત્વ જ ન રહે. તમે ભેદરેખા ક્યાં દોરશો? શું તે તમારા આદર્શ અનુસાર, મરજી મુજબની રેખા કે તમારા તરંગ પ્રમાણે, ધારાધોરણો મુજબ, સ્વભાવ પ્રમાણે, પૂર્વ સંસ્કારના બંધન મુજબની રેખા દોરશો? તમે કહો છો, `હું અમુક હદ સુધી જઈશ, પરંતુ તેથી આગળ નહીં જાઉં.’ વ્યક્તિગત ક્રોધ અને વ્યક્તિની હિંસક ક્રિયા તથા સમાજની એ સંગઠિત ધિક્કારની લાગણી કે જેમાં બીજા સમાજનો નાશ કરવા લશ્કર ઊભું કરવામાં આવે છે અને તેને પોષવામાં આવે છે તેની વચ્ચે શું કોઈ તફાવત છે? કયા તબક્કે અને હિંસાના કયા અંશ વિષે તમે ચર્ચા કરો છો, તમે જેને હિંસા માનો છો તે અથવા કોઈ ખાસ પ્રકારની હિંસાની વાત નહીં, શું તમે એ ચર્ચા કરવા ઈચ્છો છો કે માનવી તમામ હિંસાથી મુક્ત થઈ શકે કે નહીં? શબ્દોમાં કે ક્રિયામાં વ્યક્ત કર્યા વગર પણ હિંસા શું છે એ આપણે જાણીએ છીએ, કથિત સંસ્કૃતિના સૈકાઓ પછી પણ જેનામાં પ્રાણીનો અંશ હજુયે ખૂબ જ મજબૂત છે તેવા એક માનવી તરીકે મારે ક્યાંથી શરૂઆત કરવી? શું હું સમાજથી શરૂ કરું કે `હું’ જેવા કેન્દ્રથી શરૂઆત કરું? જે તમે મને હિંસક ન બનવા માટે કહો છો, કારણ કે તે માનવીની અંદર અને બહાર રહેલી ખતરનાક બાબત છે, શું આ હિંસાનો અંત લાવવો શક્ય છે?