જ્યા પાઇપલાઇન પાથરવામા આવી છે ત્યા પણ માંડ બે બેડા ભરાય તેટલુ આવતુ પાણી
માત્ર અટલ સરોવર આસપાસ મોટા રસ્તા, લાઇટીંગ, બીઆરટીએસ નેટવર્ક સિવાય આંતરિક સ્લમ વિસ્તાર મુંબઇની ધારાવી ઝૂપડપટ્ટી જેવો જ
નથી કોર્પોરેટરો જવાબ આપતા કે નથી વોર્ડ ઓફિસેથી સરખો જવાબ મળતો
રાજકોટનો રૈયા વિસ્તાર સ્માર્ટ સિટી તરીકે પસંદ કરાયો છે. અહીં ફોરેન જેવો વિકાસ કરવાની ગુલબાંગ જે તે વખતે ઝીંકવામા આવી હતી. વિકાસ થયો છે પણ એ માત્રને માત્ર અટલ અટલ સરોવર અને તેની આસપાસના રોડ-રસ્તા અને લાઇટીંગ અને બીઆરટીએસ બસ નેટવર્ક માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ. ભીતર રૈયાધાર વિસ્તારમાં નજર કરવામા આવે તો શું આને સ્માર્ટ સિટી કહેવામા આવે? તેવા સવાલો અચુક ઉઠે. રૈયાધાર વિસ્તાર માત્ર કહેવા પુરતો જ સ્માર્ટ સિટીમાં ગણવામા આવે છે. તેમા આવેલી સ્લમ વસાહત જોવામા આવે તો મુંબઇની ધારાવી ઝૂપડપટ્ટી હોય તેવુ લાગે. હાલ કાળજાળ ઉનાળામાં મફતિયાપરાના સ્લમ વિસ્તારવાસીઓ પાણી માટે વલખા મારે છે. અહીં અમુક વિસ્તારમાં હજુ પણ ટેન્કર યુગ છે. અને જે વિસ્તારમાં શોભાના ગાંઠિયા જેવી પાઇપલાઇન નાખવામા આવી છે તેના મારફતે અપાતુ પાણી માંડ બે બેડા ભરાય તેટલુ જ મળે છે.
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. અને પારો 42 ડીગ્રીને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે હાલ છેવાડાનાં વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. જેમાં શહેરનાં રૌયાધાર ખાતે આવેલા મફતિયાપરામાં મનપા દ્વારા નળ મારફત પાણી તો અપાય છે. પણ ખૂબ ઓછું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો ભારે પરેશાની વેઠી રહ્યાં છે. આ વિસ્તારનાં લોકોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, પૂરતું પાણી મળતું નથી, કચરો લેવા ગાડી આવતી નથી. આ તો કેવો વિકાસ છે? શું અમારા આ વિસ્તારને સ્માર્ટ સિટી કઇ રીતે માની શકાય?
એક મહિલાએ જણાવ્યુ હતુ કે, ‘ પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમે કામ-ધંધે જઇએ છીએ, જતાં પહેલાં પાણીની રાહ જોવી પડે છે અહીં પાણીની સૌથી મોટી સમસ્યા છે. નળમાં માત્ર બે બેડા પીવાનું પાણી આવે છે, તેમાં અમારે કેમ ચલાવવું? લાંબા સમયથી આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. પાણીની સગવડ નથી, કચરાની ગાડી આવતી નથી. સફાઈ કરવા પણ કોઈ આવતું નથી. તો આ શેનો વિકાસ છે? અમારે દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ફરિયાદનો પણ કોઈ યોગ્ય જવાબ આપતું નથી. વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા છતાં કોઈ સરખો જવાબ મળતો નથી. માત્ર એવું જણાવે છે કે, માણસો મોકલીશું અને તે તપાસ કરશે.
અન્ય એક રહેવાસીઓના કહેવા મુજબ રૈયાધારમાં કોઈપણ પ્રકારનો વિકાસ છે નહીં. પાણીની સમસ્યા અને સફાઈની મુશ્કેલી જાણે રોજિંદી બની ગઈ છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે, અન્ય વિસ્તારની જેમ અહીં પણ કચરાની ગાડી ઘરે-ઘરે આવવી જોઈએ. સફાઈ કરવાની સાથે પૂરતું પાણી આપવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. અમારી આ મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે.
વિસ્તારવાસીઓએ એવી હૈયાવરાળ ઠાલવી છે કે, આ વિસ્તારમાં પાણી ખૂબ ઓછું આવે છે. બે બેડા જેટલું પાણી આવે છે, જેમાં પરિવારજનોએ જીવવું પણ મુશ્કેલ બન્યું છે. દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અથવા વેંચાતું પાણી લેવું પડે છે. તંત્ર દ્વારા પાણીવેરો વસુલ કરવામાં આવે છે, પરંતુ પૂરતું પાણી આપવામાં આવતું નથી. તેમજ સફાઈ પણ કરવામાં આવતી નહીં હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.
પાઇપલાઇન છે ત્યા સમયપત્રકના કોઇ નેઠા નથી હોતા
સ્લમ વસાહતના રહેવાસીઓના કહેવા મુજબ જે વિસ્તારમાં પાઇપલાઇન નખાઇ છે ત્યા પાણીનો સમય નક્કી જ નથી, ક્યારેક 9 ક્યારેક 9:15 તો ક્યારેક 9:30 વાગ્યે પાણી આવે છે. તે પણ ખૂબ ઓછા પ્રમાણમાં આવતું હોવાને કારણે બહારથી ભરવા જવું પડે છે. આ ઉપરાંત અહીં સફાઈ પણ થતી નથી. ઠેર-ઠેર કચરાનાં ગંજ ખડકાયેલા રહે છે. અત્યારે ગાડી ભરી ગયા હતા, બાકી અહીં હંમેશા કચરો યથાવત્ રહે છે. સફાઈ માટે કોઈ આવતું નથી.


