ભગવાન ઋષભદેવ પરમાત્માના વંશમાં થયેલા રાજા કીર્તિધરની કીર્તિ આકાશ જેવી સ્વચ્છ હતી. અયોધ્યાનગરીના એ રાજા હતા. સહદેવી નામની એમની પટરાણી હતી. રાજા કીર્તિધરના પ્રચંડ પ્રભાવના કારણે અયોધ્યાનગરમાં સજ્જનોને શાંતિ હતી, તો દુર્જનોને સતત બીક રહેતી હતી. એમને એક દીકરો હતો. એનું નામ સુકોશલ.
નાની ઉંમરમાં કોમળ અંગ અને મધુરી વાણીથી એે કોઈ પણ વ્યક્તિનાં મન મોહી લેતો. માતા-પિતા તો એને જોતાં ધરાતાં નહીં, પણ રાજાને મળવા આવનાર આ બાળકને જોઈને ક્યારેક તો પોતાની વાત ભૂલી જતા. પોતે શું કામ માટે આવ્યો છે એ ભૂલીને સુકોશલને રમાડવા લાગી જતા. રાજા કીર્તિધર પોતાના રાજ્યની સાથે સાથે ઘરસંસારથી પણ સુખી હતો. સુકોશલ, સહદેવી અને કીર્તિધરનો સંસાર સુખપૂર્વક આગળ વધી રહ્યો હતો.
સુકોશલના દાંત દાડમની કળી જેવા હતા. સહદેવીને એ ખૂબ ગમતા. સુકોશલ જ્યારે જ્યારે હસતો ત્યારે એને જોઈને સહદેવી ભાન ભૂલી જતાં. સુકોશલ એને અત્યંત વહાલો હતો. એક વાર એને વિચાર આવ્યો આના દાંતને સોનાથી મઢાવું તો કેવા લાગે? અને એણે વિચારને અમલમાં મુકાવ્યો. તરત જ સોનીને બોલાવ્યો અને કહ્યું સુકોશલના દાંતે સોનું મઢી દો. તમને એના દાંત જેટલું સોનું આપીશ.
સુકોશલને જોયા પછી સોનીએ કહ્યું તો ખરું કે આવા સરસ દાંતને સોનામાં છુપાવવા સારા નહીં, પણ સહદેવીનો આગ્રહ હતો. તો સોનીએ પણ વિચાર કરેલો આપણને આટલું બધું સોનું મળતું હોય તો આપણે શા માટે એના દાંતની શોભાની ચિંતા કરવી. ચલને ભાઈ તું તારે કામ કરને. એમના નગરમાં એક વાર આચાર્ય ધર્મસૂરિજી નામના એક જૈનાચાર્ય પધારેલા. તપ-ત્યાગમાં એમનો જોટો ન જડે. ધર્મસૂરિજી મહારાજ ઉદ્યાનમાં રહેલા છે. રાજા અને મંત્રીશ્વર વગેરે તમામ પ્રજાજનો એમનાં પ્રવચન સાંભળવા આવતા. માત્ર સાંભળવા માટે નહીં સમજીને અમલમાં મૂકવા માટે.
ધર્મસૂરિજી જ્યારે સંસારના વરવા સ્વરૂપનું વર્ણન કરે ત્યારે ભલભલાના અંતરમાં સંસાર પ્રત્યે વેરાગ્ય જાગ્યા વગર ન રહે. રાજા કીર્તિધર ગુરુદેવનું પ્રવચન રોજ નિયમિત સાંભળે. એ વિષયમાં વિચારે. એમના વચન અને પોતાના વહેવાર વચ્ચેના તફાવતનો એ સતત વિચાર કરે. વિચાર કરવા એમને ખરેખર સંસારના ત્યાગનો ભાવ જાગ્યો. ભાવ જાગ્યો તો અમલમાં મૂકવાનો. મહારાણી સહદેવી અને મંત્રીમંડળને વાત કરી બસ હવે આપણાં અંજળ પૂરાં થાય છે, કંઈ ભૂલચૂક થઇ હોય તો એની ક્ષમાયાચના કરી ધર્મસૂરિજી મહારાજની પાસે દીક્ષા લઇ લીધી.
ધર્મસૂરિજીના શિષ્ય બન્યા. એમની પાસે રહેવાનું, જ્ઞાન મેળવવાનું, એમની સેવાભક્તિ કરવાની, એમના મગજમાં હવે તો એ પણ નીકળી ગયું કે હું પૂર્વાવસ્થામાં રાજા હતો. બરાબર જ છેને! ગઈ કાલ તો ભૂતકાળ એ તો ગયો. આજે તો હું શ્રામણ એ જ સત્ય. શ્રામણ જીવનની સાધના કરતા એમને વિશિષ્ટ લબ્ધિયો પણ મળી. આ બાજુ સહદેવી રાજમાતા બની અને સુકોશલ રાજા બન્યો. સહદેવીના મનમાં એક વાત રહી ગઈ. મારા પતિની હાજરીમાં મારો જે દબદબો હતો એ રાજમાતા બન્યા પછી પણ જળવાવો જોઈએ, પણ ક્યારે શક્ય બને! પુત્ર રાજા તરીકે હોય ત્યાં સુધી. જે દિવસે રાજા તરીકે એ મટી જાય કે ઊતરી જાય એ દિવસથી હું પણ રાજામાતા તરીકે મટી જઇશ. આવું ક્યારેય પણ બનવું જોઈએ નહીં. એના માટે મારે પ્રયત્ન કરવો જોઈએ. બીજું તો બધું બરાબર છે, પણ મારો દીકરો સુકોશલ સાધુ તો ન જ થવો જોઈએ. બીજાને તો હું સંભાળીશ, પણ એના પિતા રાજ્યમાં આવવા ન જોઈએ. એ જો આવશે તો પિતાના પગલે જશે તો પાછો વાળવો આપણા હાથની વાત રહેશે નહીં.
માણસ કેવી સ્વાર્થી વિચારધારામાં અટવાતો હોય છે. પોતાના ટૂંક સમયના સ્વાર્થને પોષવા માટે બીજાના ભવિષ્ય સાથે કેવાં અડપલાં કરતો હોય છે! પિતા મુનિ આપણા રાજ્યમાં આવી ન જાય એટલા માટે રાજમાતા સહદેવીએ પોતાના માણસને કામે લગાવેલા. આ સહદેવીની તો એવી ભાવના છે કે કીર્તિધર મુનિ આવવાના હોય તો રસ્તો બંધ કરવાનો ઉપાય કરી શકાય.
પત્ની થઇને આવી વિચારણા કરે. ના એનામાં બીજું કોઈ દૂષણ ન હતું. એનું ચારિત્ર્ય નિર્મળ હતું, પણ આ ભાવના એના ચારિત્ર્યને દૂષિત બનાવતી હતી. સ્વાર્થી ભાવો આવી વાતને ક્યાંથી સમજવા દે! આખરે તો માણસની શક્તિ સીમિત જ રહેવાની. કુદરતની સામે પડવા માટે એ ગમે તેટલો પ્રયત્ન કરે, પણ ક્યારેક તો એણે હારવું જ પડે છે.
વાત એવી બની કે એક વાર કીર્તિધર મુનિને સેવાભાવ થયો કે મારા ઉપર જે ભૂમિનો ઉપકાર છે એના માટે મારે કંઈક કરવું જોઈએ. આવું કંઇક વિચારીને એ અયોધ્યાનગરી તરફ આવ્યા.
સહદેવીને સમાચાર મળ્યા કે કીર્તિધર મુનિ અયોધ્યા તરફ આવી રહ્યા છે. રાજા સુકોશલને પણ સમાચાર મળ્યા પિતા મુનિ આવી રહ્યા છે. સમાચાર સાંભળીને એ તો રાજીરાજી થઇ ગયો. એને બિચારાને ક્યાં ખબર હતી કે રાજમાતાની ઇચ્છા પિતા મુનિને આવવા દેવાની નથી. બંનેના વિચારો અલગ અલગ દિશામાં દોડે છે. એકને કોઈ પણ મહાત્મા આવે એના માટે એ આવકાર્ય છે, જ્યારે બીજાને માટે મહાત્માનું આવાગમન અસ્વીકાર્ય છે.
અધિકારીઓને રાજમાતાએ આદેશ કરેલો છે, ગમે તેમ કરીને કીર્તિધર મુનિને પાછા વાળો. આપણા રાજ્યમાં આવવા ન જોઇએ.
સાધુને શું? તમે ના પાડો તો એ શા માટે આવે? એ તો પાછા વળી ગયા. સુકોશલ રાજાને આ વાતની ખબર જ નથી. એ તો પ્રતીક્ષા કરે છે. મારા પિતા મુનિ કેટલા સમયે આવે છે. મારે એમનું વ્યવસ્થિત સ્વાગત કરવું છે. આખા નગરમાં એમની શોભાયાત્રા કરાવીશ. એમની ભક્તિ, સેવા શુશ્રૂષા કરીશ.
ઘણા દિવસો થયા કીર્તિધર મુનિ આવ્યા નહીં. રાજાએ પોતાના માણસોને પૂછ્યું, પિતા મુનિ ક્યાં રોકાયા? હજુ સુધી કેમ આપણા રાજ્યમાં પધાર્યા નહીં?
સાચી વાત કરે કોણ? વાત કરવાથી રાજમાતા નારાજ થાય. રાજમાતા નારાજ થાય એ કોઈને પોષાય એવું ક્યાં છે. છેવટે કોઈએ સમાચાર આપ્યા પિતા મુનિને આપ ભૂલી જાવ. એ હવે આપણા નગરમાં નહીં આવે.
કારણ? શા માટે નહીં આવે? રાજાએ પૂછ્યું.
રાજમાતાની ઇચ્છા નથી. ઇચ્છા શા માટે નથી? અરે! મારી ઇચ્છા છે કે પિતા મુનિ પધારે. પછી એમણે આવવું જ પડેને!
ઠીક છે, રાજમાતાની ઇચ્છા શા માટે નથી? એણે કહ્યું પિતા મુનિ જ્યાં હોય ત્યાં એમને વિનંતિ કરીને બોલાવો અને એમનું ભવ્ય સ્વાગત કરાવો.
અરે! પણ રાજમાતા નારાજ છે. એ નારાજ હોય તો અમારું અનિષ્ટ થઇ શકે. પોતાનું અનિષ્ટ થાય એ તો કોણ ચાહે? કારણ શું? નહીં આવવા દેવાનું કોઈ કારણ તો હશેને! હોય તો ખરું જ ને. લો આપને જાણવું છે ને તો કારણ કહું, પણ રાજમાતા સુધી વાત જાય ના. બોલો, તો સાંભળો પિતા મુનિ આવે અને એમની વૈરાગ્યની વાતો આપ સાંભળો અને આપ પણ એમની સાથે સંન્યાસ લઇને ચાલ્યા જાવ એ એમને ગમતું નથી. એટલા માટે જ એમને આવવા દેવા માગતાં નથી.
રાજા સુકોશલે પિતાને આમંત્રણ આપીને નગરમાં બોલાવ્યા. ભવ્ય સ્વાગત કર્યું. પિતાની વાતો સાંભળી રાજમાતાને જે દહેશત હતી એ જ થયું. રાજા સુકોશલે પણ ચારિત્રનો સ્વીકાર કર્યો અને પિતાની સાથે એ ચાલી નીકળ્યો.
રાજમાતા સહદેવી વિચાર કરે છે હું તો ફસાઈ ગઇ. પિતા પણ ગયા અને પુત્ર પણ ગયો. હવે શું કરું? આવી ચિંતામાં ને ચિંતામાં એનું મરણ થયું. જંગલમાં વાઘણ તરીકે એ ઉત્પન્ન થઇ.
આપણા વિચારોના આધારે જ ગતિ મળતી હોય છે એટલે જ આપણા વિચારોને સારા રાખવા જોઈએ. વિચારો સારા હોય તો આચાર સારા જ હોય. આચાર વિચારોની પાછળ જ આવતા હોય છે. પિતા-પુત્ર બંને મુનિઓ પૃથ્વીતલ ઉપર ફરી રહ્યા છે. ફરતાં ફરતાં એ જ વનમાંથી પસાર થઇ રહ્યા છે જ્યાં આ વાઘણ રહેતી હતી. એણે બેય મુનિને જોયા. વાઘણે સીધી તરાપ મારી સુકોશલ મુનિ ઉપર. એનું આખું શરીર લોહીલુહાણ કરી નાંખ્યું.
પિતા મુનિ એમને સમજાવે છે, વાઘણ ઉપર ક્રોધ કરીશ નહીં. ઉપસર્ગ આવ્યો છે. સમભાવે સહન કરજે. કર્મોનો નાશ કરવાનો તને અવસર મળ્યો છે તો સાર્થક કરજે. સુકોશલ મુનિએ પિતાની વાતનો આદર કર્યો. શરીર અને આત્માના ભેદનો વિચાર કરતાં કરતાં એ જ સમયે એમને કેવલજ્ઞાન પ્રગટ થઇ ગયું. એ તો મોક્ષમાં ગયા.
વાઘણને કંઇ એ ખબર નથી કે આ મારા પતિ-પુત્ર છે, પણ પૂર્વ ભવના સંસ્કારો હતા. એના જોવામાં પેલા સોનાના દાંત આવ્યા અને એને જાતિસ્મરણ જ્ઞાન થયું.
અરે! આ મેં શું કર્યું? મારા પોતાના દીકરાને મેં આ રીતે મારી નાંખ્યો?
માણસની જ્યારે આંખ ઊઘડે છે ત્યારે પસ્તાવો થાય છે, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. એ પોતાના દુષ્કૃત્યની નિંદા કરે છે. હવે પછી કોઈ પણ જીવની હિંસા હું કરીશ નહીં, આવો માનસિક નિયમ ધારણ કરીને બાકીનું જીવન સુધારી લે છે.
ગમે તેવી પરિસ્થિતિમાં પણ અકાર્ય કરતા પહેલાં વિચાર કરવો. છોડવાનો પ્રયત્ન કરવો, સારા કામનો આદર કરવો, તો જ આપણું આત્મકલ્યાણ શક્ય છે.