- સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ નેશનલ ટીમમાં પાછા ફરવું મુશ્કેલ બન્યું
- બોર્ડની વિવિધ સગવડોથી વંચિત રહેશે, માત્ર મેચ ફી મળશે
- બંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીનો લાભ લેવા સ્ટેટ એસોસિયેશનનો સહારો લેવો પડશે
બીસીસીઆઈએ તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઇશાન કિશન અને શ્રેયસ ઐયરની બાદબાકી કર્યા બાદ આ બંને ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સાથે બોર્ડે બંને ખેલાડીઓને આકરા શબ્દોમાં ચેતવણી પણ આપી છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં ફ્લોપ રહ્યા બાદ ઐયરને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ બોર્ડના સેક્રેટરી જય શાહે ચેતવણી આપી હોવા છતાં ઇશાન કિશને રણજી ટ્રોફીમાં રમવાના બદલે બરોડામાં મુંબઇ ઇન્ડિયન્સના સુકાની હાર્દિક પંડયા સાથે આઇપીએલની તૈયારીઓ કરી હતી. આ બંને ખેલાડીઓ સામે બીસીસીઆઈ વધુ એક મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. ઐયર અને ઇશાન બંને હવે જૂન મહિનામાં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થાય તેવા સંકેત મળ્યા છે. આ મેજર
ઇવેન્ટ માટે બંને ખેલાડીઓના નામ ઉપર ચર્ચા થશે નહીં. કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર થયા બાદ બંને ભવિષ્યમાં ભારતીય ટીમ માટે રમી શકે તેવી ઓછી સંભાવના છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં સામેલ થવા માટે ન્યૂનતમ મેચો રમ્યા બાદ પણ બંનેને સામેલ કરવા અંગે વિચારણા કરવામાં આવશે નહીં. બંનેને માત્ર મેચ ફી મળશે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ મુશ્કેલીઓ વધશે
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ ઐયર અને ઇશાનને કમાણીમાં તો મોટો ફટકો પડશે અને આ ઉપરાંત બંનેને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી અને ઇન્સ્યોરન્સ જેવી સગવડો પણ નહીં મળે. બંને ભલે સેન્ટ્રલ કોન્ટ્રક્ટમાંથી બહાર થયા હોય પરંતુ બંને
આઇપીએલમાં રમતા જોવા મળશે. ફ્રેન્ચાઇઝીઓએ હરાજી પહેલાં બંનેને રિલીઝ કર્યા નહોતા અને આ તેમના પ્લાનિંગનો એક હિસ્સો હતો. બંનેને જો નેશનલ ટીમ માટે રમી નહીં શકે તો આઇપીએલમાંથી પણ બહાર થઈ શકે છે. આઇપીએલ બે મહિનાની હોય છે અને ડોમેસ્ટિક ક્રિકેટ હવે તમામ ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ બની જશે. ભારતીય ટીમમાં પ્રત્યેક સ્થાન માટે એટલી બધી હરીફાઈ છે કે તેમાં ખેલાડી ક્યારે ગુમ થઈ જાય છે તેની ખબર પડતી નથી.


