- ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ જાહેર
- વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સ્થાન ન મળ્યું
- ઈશાન કિશન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે જાહેર કરવામાં આવેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમની જગ્યાએ કેએસ ભરત અને ધ્રુવ જુરેલને 16 સભ્યોની ટેસ્ટ ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે તક મળી છે. હવે આ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે કે ઈશાનને બેક ટુ બેક સિરીઝમાંથી બહાર કેમ થવું પડ્યું. અગાઉ તેને અફઘાનિસ્તાન સિરીઝ માટે ભારતીય T20 ટીમમાં સ્થાન નહોતું મળ્યું અને હવે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થવું એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સમસ્યા ચોક્કસપણે છે.
ઈશાને માનસિક થાકને કારણે બ્રેક લીધો
ઇશાને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા આ મુદ્દો શરૂ થયો હતો. BCCIએ કહ્યું હતું કે ઈશાને અંગત કારણોસર બ્રેક લીધો હતો પરંતુ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ઈશાન કિશન ગુસ્સામાં હતો. તે સતત ટીમ સાથે પ્રવાસ કરતો હતો પરંતુ તેને પ્લેઈંગ-11માં ત્યારે જ તક મળી રહી હતી જ્યારે અન્ય કોઈ ખેલાડી પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. આ કારણસર ઈશાને માનસિક થાકને કારણ આપીને BCCIમાંથી બ્રેક માંગ્યો હતો. બીસીસીઆઈને લાગ્યું કે તેમનો નિર્ણય યોગ્ય છે, તેથી ઈશાનને બ્રેક આપવામાં આવ્યો હતો.
ઈશાનની ટીમમાં વાપસી મુશ્કેલ
જો કે આ દરમિયાન ઈશાન પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે દુબઈમાં પાર્ટી કરતો જોવા મળ્યો હતો. તે એક લોકપ્રિય ટીવી ક્વિઝમાં પણ જોવા મળ્યો હતો. આનાથી પસંદગીકારો નારાજ થયા અને તેને અફઘાનિસ્તાન સામેની T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જ્યારે કોચ રાહુલ દ્રવિડને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે ઈશાન અત્યારે ઉપલબ્ધ નથી. જ્યારે તે ઉપલબ્ધ થશે ત્યારે તે ચોક્કસપણે ટીમમાં હશે પરંતુ તે પહેલા તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. એટલે કે રાહુલ દ્રવિડે સ્પષ્ટ કરી દીધું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાને સાબિત કર્યા વિના ઈશાન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ છે.
કોચની સલાહને અવગણવી મોંઘી સાબિત થઈ?
રાહુલ દ્રવિડની આ ચેતવણી બાદ પણ ઈશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું યોગ્ય માન્યું નથી. ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી રમાઈ રહી છે પરંતુ ઈશાન આ માટે પણ ઉપલબ્ધ નથી. તેણે રણજી રમવા અંગે ઝારખંડ ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કર્યો ન હતો. તે હજુ વેકેશન પર છે. કદાચ આ જ કારણ છે કે ઈશાન ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.


