- ઇશાને ટીમમાં આવવા ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરવો પડશે
- એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ઇશાનને શિસ્તના કારણોસર ટીમમાંથી ડ્રોપ કરાયો છે
- ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે ઇશાને ઘરેલૂ ક્રિકેટમાં સારો દેખાવ કરવાનો રહેશે
ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન ઇશાન કિશનને જ્યારથી અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ટીમમાંથી ડ્રોપ કરાયો છે ત્યારથી તેનું નામ ચમકી રહ્યું છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ઇશાનને શિસ્તના કારણોસર ટીમમાંથી ડ્રોપ કરાયો છે. જે બાદ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં આ અહેવાલોને ફગાવી દીધા હતા. હવે દ્રવિડના નિવેદન બાદ આ સવાલો ઉઠવા લાગ્યા છે કે ઇશાન કિશનની ટીમ ઇન્ડિયામાં વાપસી કઇ રીતે થશે? હવે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવાયું છે કે ઇશાન કિશનને સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ ટીમનું મેનેજમેન્ટ કેએલ રાહુલને વિકેટકીપિંગ અને બેટિંગની બેવડી જવાબદારીથી મુક્ત કરવા માગે છે. જેના કારણે ટીમ ઇન્ડિયામાં ઇશાન કિશનની સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે પસંદગી થઇ શકે છે. જોકે, ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે ઇશાને ઘરેલૂ ક્રિકેટમાં સારો દેખાવ કરવાનો રહેશે. ઈશાન 19 જાન્યુઆરીએ ઝારખંડ વિરુદ્ધ સર્વિસિસ ટીમ વચ્ચે રમાનારી મેચમાં રમતો જોવા મળશે.


