આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્મા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ વચ્ચે સોશિયલ મીડિયા પર તીક્ષ્ણ નિવેદનબાજી જોવા મળી રહી છે. મુખ્યપ્રધાને ગૌરવ ગોગોઈ પર પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલય અને ISIના આમંત્રણ પર પાકિસ્તાનની મુલાકાત લેવાનો અને ત્યાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, ગોગોઈએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને મુખ્યપ્રધાનના “માનસિક સ્વાસ્થ્ય” વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા અને કહ્યું, “મુખ્યપ્રધાન જે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તે બી ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ છે.”
10 સપ્ટેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરીશું: મુખ્યપ્રધાન શર્મા
મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ આરોપ લગાવતા કહ્યું કે, “હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે આસામના સાંસદ ગૌરવ ગોગોઈએ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આમંત્રણ પર ત્યાં ઘણા દિવસો વિતાવ્યા હતા. અમે આ મુલાકાત અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે આના દસ્તાવેજી પુરાવા પણ છે.” આસામના મુખ્યપ્રધાને કહ્યું, “પુરાવા 10 સપ્ટેમ્બર સુધીમાં જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. ગૌરવ ગોગોઈએ પર્યટન માટે નહીં, પરંતુ તાલીમ માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ એક મહત્વપૂર્ણ અને ખતરનાક મામલો છે.” મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે ગૃહ મંત્રાલય તરફથી સીધું આમંત્રણ મળવું એ સાબિત કરે છે કે ગોગોઈ પાકિસ્તાન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા.
બીજી તરફ આ આરોપનો જવાબ આપતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, “હું મુખ્યપ્રધાનના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત છું. હું છેલ્લા 13 વર્ષથી હું તેમના નિશાને છું અને હંમેશા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. અમે 2026 પછી તેમના સ્વાસ્થ્ય માટે કામ કરીશું.”
મુખ્યપ્રધાન કોઈ નક્કર તથ્યો રજૂ કરી શકશે કે કેમ તે અંગે શંકા: ગૌરવ ગોગોઈ
ગૌરવ ગોગોઈએ કહ્યું કે મુખ્યપ્રધાને પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે આસામની નબળી આર્થિક સ્થિતિ અને રાજકીય આશ્રય હેઠળ કાર્યરત કોલસા-ડ્રગ માફિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગૌરવ ગોગોઈએ કહ્યું, “મુખ્યપ્રધાન જે કહી રહ્યા છે તેમાંથી 99% બકવાસ છે. તેમણે હકીકતો જાહેર કરવી જોઈએ અને સપ્ટેમ્બરની કાલ્પનિક સમયમર્યાદા પાછળ છુપાવવાનું બંધ કરવું જોઈએ. મને શંકા છે કે મુખ્યપ્રધાન સપ્ટેમ્બરમાં પણ કોઈ નક્કર હકીકતો રજૂ કરી શકશે કે નહીં.” એવું કહેવાય છે કે એક જૂઠાણું છુપાવવા માટે વ્યક્તિને અસંખ્ય જૂઠાણા બોલવા પડે છે. મુખ્યપ્રધાન બરાબર એ જ કરી રહ્યા છે. તેઓ કોઈ તથ્યો આપી રહ્યા નથી અને ફક્ત આઈટી સેલના ટ્રોલ જેવું વર્તન કરી રહ્યા છે. મુખ્યપ્રધાનને ટ્રોલ ન કરવા જોઈએ. જો તેમની પાસે તેમના તાજેતરના આરોપને સમર્થન આપવા માટે કોઈ તથ્યો હોય તો તેમણે તે જાહેરમાં જણાવવું જોઈએ.