હુતી બળવાખોરો દ્વારા ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે. ત્યારબાદ નેતન્યાહુ સાંજે 7 વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહૂ આ બેઠકમાં હુતી બળવાખોરો સામેની તેમની કાર્યવાહી અંગે ચર્ચા કરશે.
નેતન્યાહૂ ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે ટેલિફોનિક બેઠક કરશે
મળતી માહિતી મુજબ એક ઈઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે યમનના બેન ગુરિયન એરપોર્ટ પર હુતીઓએ બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝ અને અન્ય ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે ટેલિફોનિક બેઠક કરશે. બપોરે મળનારી બેઠકમાં યમનમાં હુતી વિદ્રોહીઓની સંપત્તિ પર ઈઝરાયલી હુમલો સહિત સંભવિત પ્રતિક્રિયાઓની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સાંજે 7 વાગ્યે, પીએમ નેતન્યાહૂ ગાઝામાં લશ્કરી કાર્યવાહીના વિસ્તરણ, સીરિયામાં લડાઈ, હુથી હુમલા અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમના સુરક્ષા મંત્રીમંડળને વ્યક્તિગત રીતે મળશે.
‘હુમલામાં 6 લોકો થયા ઘાયલ’
જણાવી દઈએ કે હુતી બળવાખોરોએ ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો અને ઈઝરાયલી સુરક્ષા દળો આ હુમલાને રોકવામાં નિષ્ફળ ગયા છે અને મિસાઈલ બેન ગુરિયન એરપોર્ટ પર પડી હતી, મિસાઈલ હુમલા પહેલા એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક-ઓફની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આ હુમલામાં 6 લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેન ગુરિયન એરપોર્ટ પર હુતી મિસાઈલ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે “જે કોઈ પણ અમને નુકસાન પહોંચાડશે, અમે તેમના પર 7 વખત હુમલો કરીશું.” તાજેતરના હુતી હુમલાઓના જવાબમાં ઈઝરાયલે યમન પર હુમલો કરવાનું ટાળ્યું છે, જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સમર્થિત જૂથ સામે મોટું અભિયાન ચલાવી રહ્યું છે.


