- હમાસના આતંકીઓને ખતમ કરવા ઇઝરાયેલનું મેદાને જંગ
- ઇઝરાયલી ડ્રોને હમાસના ચીફના ઘરે કર્યો હુમલો
- હુમલા દરમિયાન ઈસ્માઈલ હનીયે ઘરે હાજર ન હોવાની વિગત
ઈઝરાયેલે ગાઝામાં હમાસના રાજકીય ચીફ ઈસ્માઈલ હનીયેના ઘર પર મિસાઈલ હુમલો કર્યો છે. હમાસ સાથે જોડાયેલા અલ-અક્સા રેડિયોએ જણાવ્યું હતું કે ઇઝરાયલી ડ્રોને હમાસના નેતા ઇસ્માઇલ હનીયેના ગાઝા ઘર પર મિસાઇલ છોડી હતી. જોકે ઈસ્માઈલ હનીયે ઘરે હાજર ન હતા. ઈસ્માઈલ હનીયે 2019 થી ગાઝાની બહાર છે. તેઓ કતાર અથવા તુર્કીમાં રહેતા હોવાનું માનવામાં આવે છે.
ઇઝરાયલી ડ્રોને હમાસના ચીફના ઘરે કર્યો હુમલો
અલ-અક્સા રેડિયો અનુસાર, એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે હુમલા સમયે ઈસ્માઈલ હનીયેના પરિવારનો કોઈ સભ્ય ઘરમાં હાજર હતો કે નહીં. જો કે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ આ હુમલા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ યુદ્ધના શરૂઆતના થોડા દિવસોમાં ઈઝરાયેલની સેનાએ હવાઈ હુમલામાં ઈસ્માઈલ હનીયેના પરિવારના 14 સભ્યોને મારી નાખ્યા હતા. પેલેસ્ટિનિયન મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઈસ્માઈલનો ભાઈ અને ભત્રીજો પણ માર્યો ગયો છે. સેનાએ ગાઝાના શેખ રદવાન પાસે આ હવાઈ હુમલો કર્યો હતો.
કોણ છે હમાસ ચીફ ઈસ્માઈલ?
હમાસની બે પાંખ છે, એક રાજકીય પાંખ અને બીજી લશ્કરી પાંખ. ઈસ્માઈલ હનીયે રાજકીય પાંખના વડા છે અને મોહમ્મદ ઝૈફ લશ્કરી પાંખના વડા છે. ઈસ્માઈલ હનીયેનો જન્મ ગાઝાના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. અરબી સાહિત્યમાં સ્નાતક થયા પછી, ઇસ્માઇલ હનીયે ઇઝરાયેલી નિયંત્રણ સામે બળવોમાં જોડાયો. આ વિદ્રોહમાં ભાગ લેવા બદલ તેને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. ત્યારબાદ ઘણા વર્ષો સુધી તે ઈઝરાયેલ વિરુદ્ધ ષડયંત્રમાં પણ સામેલ હતો. ઈસ્માઈલ હનીયે 2006 થી 2007 સુધી પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન પણ હતા. આ પછી તેણે ગાઝામાં સ્વતંત્ર સરકાર બનાવવાની પણ જાહેરાત કરી હતી.


