- ઉત્તર પછી હવે દક્ષિણ ગાઝામાંથી પણ લોકોને પલાયન કરવા ઇઝરાયેલનું ફરમાન
- સૌથી મોટી જબાલિયા શરણાર્થી શિબિર પર ઇઝરાયેલનો બોમ્બમારો
- બોમ્બમારામાં સંખ્યાબંધ લોકો માર્યા હતા કે ઘાયલ થયા હતા
ઇઝરાયેલની સેનાએ શનિવારે ગાઝામાં યુએન સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. તેમાં સંખ્યાબંધ પેલેસ્ટાઇનવાસીઓના મૃત્યુ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓએ આ જાણકારી આપી હતી. તેમના જણાવ્યા મુજબ ઇઝરાયેલે શનિવારે દક્ષિણ ગાઝાના આવાસ વિસ્તારોમાં હુમલો કરતાં ઓછામાં ઓછા 47 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના જણાવ્યા મુજબ યુએન સ્કૂલ ખાતે ગાઝાના વિસ્થાપિત નાગરિકોને આશ્રાય આપવામાં આવ્યો હતો. બોમ્બમારામાં સંખ્યાબંધ લોકો માર્યા હતા કે ઘાયલ થયા હતા.હમાસના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ઉત્તર ગાઝાની શરણાર્થી શિબિર પર થયેલા બેવડા હુમલામાં 80 લોકો માર્યા ગયા હતા. જે સ્થાનો પર હુમલા થયા તેમાં વિસ્થાપિત નાગરિકોને આશ્રાય આપી રહેલી યુએન સ્કૂલનો પણ સમાવેશ થતો હતો. સોશિયલ મીડિયા પર જોવા મળતા વીડિયોમાં ગાઝાના સૌથી મોટી જબાલિયા શરણાર્થી શિબિર ખાતે ઇમારતના ભોંયતળિયે લોહી પથરાયેલું જોવા મળતું હતું. સ્કૂલના મેજની નીચે ગાદલા પાથરેલા જોવા મળતા હતા.
હમાસના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શનિવારે જબાલિયા શરણાર્થી શિબિર પર શનિવારે થયેલા હુમલામાં એક જ પરિવારના 32 લોકો માર્યા ગયા હતા. તેમાં 19 બાળકોનો સમાવેશ થતો હતો. ગાઝા પર શાસન સંભાળી રહેલા હમાસ સંગઠનના જણાવ્યા મુજબ 7 ઓક્ટોબર પછી ઇઝરાયેલની સેના દ્વારા થઇ રહેલા હુમલામાં 12,300 પેલેસ્ટાઇનવાસીઓ માર્યા ગયા છે. તેમાં 5000થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
ગાઝામાં માનવીય સંકટ વધતું જાય છે. તબીબોનું કહેવું છે ઇઝરાયેલે ઉત્તર પછી હવે દક્ષિણ ગાઝાથી પણ લોકોને દૂર થઇ જવા ફરમાવ્યું છે. ઉત્તર ગાઝામાંથી પલાયન કરીને ચાર લાખથી વધુ શરણાર્થી દક્ષિણ ગાઝામાં શરણ લઇ રહ્યા છે. હવે તેમનું પુનઃ પલાયન માનવીય સંકટ સર્જી શકે છે.
અલ-શિફા હોસ્પિટલ બની ડેથ ઝોન, 32 બાળકોના જીવ પર જોખમ
ઇઝરાયેલી સેનાએ ગાઝાની અલ-શિફા હોસ્પિટલનો કબજો લઇ લીધો છે. તબીબોએ કહ્યું કે ઇઝરાયેલે એક જ કલાકમાં લોકોને હોસ્પિટલ છોડી જવા ફરમાવતાં માનવીય સંકટ સર્જાયું છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રની સંયુક્ત ટીમે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કર્મચારીઓની પાંખી હાજરી છે. 291 દર્દીઓ પૈકી 32 બાળકોની તબિયત ખરાબ છે. વિશ્વ સંગઠનો અલ-શિફા હોસ્પિટલમાં બચેલા દર્દીઓને દક્ષિણ ગાઝા પહોંચાડવા પ્રયાસશીલ છે. વધુને વધુ રાહત ટીમ હોસ્પિટલે પહોંચે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હોસ્પિટલ બહાર સામૂહિક કબરો તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલ ડેથ ઝોન બની ચૂકી છે. તે દરમિયાન ઇઝરાયેલની સેના હોસ્પિટલમાં હમાસ કમાન્ડ સેન્ટરની ઝડતી લઇ રહ્યા છે. જોકે હમાસ અને હોસ્પિટલના કર્મચારીઓ ઇઝરાયેલના આરોપો નકારી રહ્યા છે.


