– આતંકીઓના ફન્ડિંગનું માધ્યમ બનતા ક્રિપ્ટો કરન્સી ભારત સહિતના દેશો માટે ચેતવણી સમાન
Updated: Oct 11th, 2023
મુંબઈ : ક્રિપ્ટોકરન્સીઝ મારફત હમાસ ત્રાસવાદીઓને પૂરા પડાતા ફન્ડિંગ પર ઈઝરાયલે તરાપ મારી છે અને હમાસ દ્વારા ભંડોળ ઊભા કરવા માટે વપરાતા ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટસને સ્થગિત કરી દેવાયાના અહેવાલ હતા. યુદ્ધને કારણે ક્રિપ્ટો માર્કેટસના ગણિત ઝડપથી બદલાઈ રહ્યા છે.
ત્રાસવાદીઓનો સામનો કરતા ભારત સહિતના દેશો માટે ક્રિપ્ટોફન્ડિંગ મોટું જોખમ બની રહ્યાનું હમાસની ઘટના પરથી કહી શકાય એમ છે.
હમાસ ત્રાસવાદીઓને ક્રિપ્ટોકરન્સીઝ મારફત જંગી માત્રામાં ફન્ડિંગ થતું હોવાનું ઈઝરાયલના પોલીસના ધ્યાનમાં આવતા તેણે પોતાના સાઈબર યુનિટ મારફત ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટસ સ્થગિત કરી દીધા છે.
આ સંદર્ભમાં ઈઝરાયલની પોલીસ તેના સંરક્ષણ મંત્રાલય તથા અન્ય ગુપ્તચર સંસ્થાઓ સાથે મળીને વધુ કામગીરી કરી રહી હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું.
વિવિધ સોશ્યલ નેટવર્કસ પર હમાસ ભંડોળ ઊભા કરવા ઝૂંબેશ હાથ ધરી હતી અને ખાતામાં ક્રિપ્ટોકરન્સીઝ જમા કરાવવા જનતાને અપીલ કરી હતી.
યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં ઊભી થયેલી તંગદિલીને પરિણામે ક્રિપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે મંદ જોવા મળી હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન તથા એથરમ દબાણ હેઠળ રહ્યા હતા. ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ પણ ઘટી ૧.૦૮ ટ્રિલિયન ડોલર રહી હતી.
અન્ય ક્રિપ્ટોસમાં એકસઆરપી, સોલાના, ડોજકોઈન ઘટાડા તરફી રહ્યા હતા. મધ્યપૂર્વની તંગદિલીને કારણે ક્રિપ્ટો બજારના ગણિત અપેક્ષા કરતા ઝડપથી બદલાઈ રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
આ યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચે જશે અને આર્થિક સમીકરણો ખોરવાઈ જશે તેવી બજારના ખેલાડીઓ ગણતરી મૂકી રહ્યા છે.