- હમાસ શાસનના અંતની યોજનાનો અમલ કરવા ઇઝરાયેલ અગ્રેસર
- ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ગાઝાના નવા સત્તા માળખા વિશે જાણકારી આપી
- ટૂંક સમયમાં તે ઇઝરાયેલમાં હમાસ શાસનને બદલવાની યોજના અમલી કરશે
હમાસ અને ઇઝરાયેલ વીતેલા આઠ મહિનાથી યુદ્ધ લડી રહ્યા છે. ઇઝરાયેલે હમાસ સંગઠનને ખતમ કરવા સંકલ્પ લીધો છે , અને આ સંકલ્પ ગાઝાના લોકોને ભારે પડી રહ્યો છે. ગાઝામાં સર્જાયેલી માનવીય સ્થિતિઓને જોઈ વિશ્વભરના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
પરંતુ ઇઝરાયેલ પોતાના સંકલ્પમાં ટસથી મસ થવા નથી માગતું. ઇઝરાયેલનું કહેવું છે કે ટૂંક સમયમાં તે ઇઝરાયેલમાં હમાસ શાસનને બદલવાની યોજના અમલી કરશે. ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તજાચી હાનેગ્બીએ મંગળવારે રિચમેન વિશ્વવિદ્યાલયના વાર્ષિક હર્જિલિયા સંમેલનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ગાઝામાં શાસન કરવાની હમાસની ક્ષમતાને ખતમ કરવાથી, જે દેશો ગાઝાની સરકાર સાથે મળીને કામ કરવા માંગે છે તેમના માટે તકો ખૂલશે. તેમણે ગાઝાએ કહ્યું કે ગાઝામાં જે નવું નેતૃત્વ સત્તા સંભાળશે તેમાં ઇઝરાયેલના અબ્રાહમ સમજૂતીના ભાગીદાર, અમેરિકા, યુરોપિયન સંઘ અને સંયુક્ત રાષ્ટ્ર સામેલ હશે. ઇઝરાયેલની સેના હમાસના સભ્યોને શોધી શોધીને ખતમ કરવાની કામગારી ચાલુ રાખશે.
હાનેગ્બીએ કહ્યું કે,’આપણે લાંબા સમયથી આ યોજના વિશે વાત કરી રહ્યા છીએ. પરંતુ ત્યારે અમે હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે હવે અમારે હમાસ સંપૂર્ણપણે ખતમ થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની જરૂર નથી.
ગાઝામાં યુદ્ધના ત્રણ હેતુ : નેતન્યાહૂએ સ્પષ્ટતા કરી
બાઇડેન વહીવટીતંત્ર ગાઝા પર ઇઝરાયેલી કબજાનો હંમેશા વિરોધ કરે છે. તે દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધના ત્રણ હેતુ વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાનો ખાતમો, તમામ બંધકોની મુક્તિ અને ગાઝા ઇઝરાયેલ માટે ખતરો નહીં રહે તે સ્થિતિના નિર્માણના હેતુઓસર ઇઝરાયેલ યુદ્ધ કરી રહ્યું છે.


