- હમાસ આતંકીઓ પોતાની તબાહી નોતરી રહ્યા છે : ઇઝરાયેલ
- બીજી બાજુ અમેરિકી વિદેશમંત્રીએ હમાસને યુદ્ધવિરામ માટે અંતિમ ચેતવણી આપી
- આ સમજૂતીમાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિની શરત પણ સામેલ છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ગાઝામાં સોમવારે મોડી રાત્રે 6 ઇઝરાયેલી બંધકોનાં મૃતદેહ મળી આવ્યા છે. ઇઝરાયેલી સૈન્યએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે બંધકો સાથે આવો વ્યવહાર કરીને આતંકીઓ પોતાની તબાહી નોતરી રહ્યા છે.
ઇઝરાયેલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના સૈનિકોને ગઈ રાત્રે ગાઝામાં અભિયાન દરમિયાન 6 બંધકોનાં મૃતદેહ મળી આવ્યા હતા. જોકે તેમના મોત ક્યારે અને કેવી રીતે થયા તે વિશે કંઈ જણાવાયું નથી. આ મૃતદેહો એવા સમયે મળી આવ્યા છે કે જ્યારે અમેરિકા, ઇજિપ્ત અને કતાર ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી માટેના પ્રયાસ કરી રહ્યા છે. આ સમજૂતીમાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોની મુક્તિની શરત પણ સામેલ છે.
એવું મનાય છે કે ગત 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસે હજુ પણ અંદાજે 110 લોકોને બંધક બનાવી રાખ્યા છે. ઇઝરાયેલી અધિકારીઓના અનુમાન પ્રમાણે તેમાંથી અંદાજે ત્રીજા ભાગના બંધકોના મોત થઈ ચૂક્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે ઇઝરાયેલે બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ આડેના અવરોધો દૂર કરવાની વાત સ્વીકારી લીધી છે. અમેરિકી વિદેશપ્રધાન એન્ટોની બ્લિન્કન હવે આગળની વાટાઘાટો માટે કતાર પહોંચ્યા છે. કતારની રાજધાની દોહામાં આ મુદ્દે ગુરુવારે અને શુક્રવારે ચર્ચા થઈ હતી. મધ્યસ્થીઓનું કહેવું છે કે વાટાઘાટો યોગ્ય દિશામાં જઈ રહી છે. બ્લિન્કને હમાસને ચેતવણી પણ આવી છે કે યુદ્ધવિરામ માટેની આ અંતિમ તક છે. હવે પછી તબાહી રોકવી મુશ્કેલ બની જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ઘણા સમયથી યુદ્ધવિરામ માટે પ્રયત્ન કરી રહ્યું છે.


