- ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ
- ઇઝરાયલે હમાસને મોકલ્યો નવો પ્રસ્તાવ
- બાઇડને કહ્યું કે યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે
ગાઝામાં લગભગ આઠ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ઈઝરાયેલે હમાસને નવો પ્રસ્તાવ આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના જણાવ્યા અનુસાર કતાર દ્વારા હમાસને શાંતિ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે શાંતિ પ્રસ્તાવમાં યુદ્ધવિરામ, ઇઝરાયલી બંધકોની મુક્તિ અને ગાઝાના રહેણાંક વિસ્તારોનું પુનર્નિર્માણ સામેલ છે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે દરેક વ્યક્તિ શાંતિ ઇચ્છે છે. તેઓએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. હવે આ યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે. બાઇડને બંને પક્ષોના નેતાઓને આ તકનો લાભ લેવા અપીલ કરી છે. તેમના મતે આ શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કામાં છ સપ્તાહના યુદ્ધવિરામનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઈઝરાયેલ અને હમાસ 7 ઓક્ટોબરના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધને ખતમ કરવા પર ચર્ચા કરશે. બાઇડને કહ્યું કે હું અમેરિકી નાગરિકો અને દુનિયા માટે ઉચિત શરતો રાખવા માંગુ છું, આ નવા પ્રસ્તાવના ત્રણ ચરણ છે.
હમાસે પહેલા મોકલ્યો હતો શાંતિ પ્રસ્તાવ
આ પહેલા હમાસે ઈઝરાયલ સમક્ષ શાંતિનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જેને સ્વીકારવાનો ઈઝરાયેલે ઈન્કાર કરી દીધો હતો. હમાસની દરખાસ્તમાં ગાઝામાંથી ઇઝરાયેલી સૈનિકોને તાત્કાલિક પાછી ખેંચવાના બદલામાં બંધકોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ગાઝામાં યુદ્ધવિરામ માટે ઇજિપ્તમાં પણ વાતચીત થઈ હતી, જે અનિર્ણિત રહી હતી. ઇજિપ્તમાં પણ શાંતિ પ્રસ્તાવ પર કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી.
તે સમયે હમાસ સંપૂર્ણ યુદ્ધવિરામની માંગ કરી રહ્યું હતું. તે ઇચ્છતા હતા કે ગાઝામાં યુદ્ધ કાયમી યુદ્ધવિરામ સાથે સંપૂર્ણ રીતે સમાપ્ત થાય અને ઇઝરાયેલી દળો પીછેહઠ કરે. જ્યારે ઇઝરાયેલ થોડા સમય માટે લડાઇ રોકવાનો આગ્રહ કરી રહ્યું હતું. આ દરમિયાન ઇઝરાયેલી સેનાએ ગાઝા અને ઇજિપ્તની સરહદે આવેલા ફિલાડેલ્ફિયા કોરિડોર પર કબજો કરવાનો દાવો કર્યો છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા આ કોરિડોરને ‘ફિલાડેલ્ફિયા કોરિડોર’ કહેવામાં આવે છે. આ બફર ઝોન છે. તેને બફર ઝોન કહેવામાં આવે છે કારણ કે તે ઇજિપ્ત અને ગાઝા વચ્ચેનો તટસ્થ વિસ્તાર છે. આ કોરિડોર પર કબજો મેળવ્યા બાદ ગાઝાની સમગ્ર જમીની સરહદ હવે ઈઝરાયેલના નિયંત્રણમાં આવી ગઈ છે. IDFએ કહ્યું કે તેણે અહીં 20 ટનલ પણ શોધી કાઢી છે.
આ કોરિડોર પર કબ્જાનો દાવો
હમાસ આ ટનલનો ઉપયોગ ગાઝામાં શસ્ત્રોની દાણચોરી કરવા માટે કરતો હતો. આઇડીએફના પ્રવક્તા ડેવિડ મેન્સરે જણાવ્યું હતું કે, “હું એવા અહેવાલોની પુષ્ટિ કરી શકું છું કે અમારા સૈનિકોએ ફિલાડેલ્ફિયા કોરિડોર પર કબજો કર્યો છે.” જે ઇજિપ્ત અને રફાહ વચ્ચેનો સાંકડો સરહદી કોરિડોર છે, તેણે ફિલાડેલ્ફિયા કોરિડોરમાં સુરંગ શોધવાના ઇઝરાયેલના દાવાને ફગાવી દીધો છે. ઇજિપ્તનું કહેવું છે કે ઇઝરાયેલ દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં તેની સૈન્ય કાર્યવાહીને યોગ્ય ઠેરવવા માટે ખોટા દાવા કરી રહ્યું છે. ઇજિપ્ત પેલેસ્ટિનિયન લોકોનું મજબૂત સમર્થક રહ્યું છે અને તેણે ગાઝામાં ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહી અને આ સંઘર્ષમાં ઇઝરાયલી સુરક્ષા દળોના હાથે હજારો નાગરિકોના મૃત્યુની નિંદા કરી છે. આ કબજા બાદ તણાવ વધવાની શક્યતા વધી ગઈ છે.


