- ગાઝામાંથી અગાઉ નોંધાયેલી સંખ્યા કરતા બમણી સંખ્યામાં લોકો ઈઝરાયલની સરહદમાં ઘૂસ્યા હતા
- 7 ઓક્ટોબરે લડવૈયાઓ સહિત લગભગ 6 હજાર ગાઝાવાસીઓએ ઇઝરાયલમાં પ્રવેશ કર્યો હતો
- 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓ દ્વારા લગભગ 119 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો
ઇઝરાયલ પર હમાસના હુમલાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે એક નવો અહેવાલ સામે આવ્યો છે. જેમાં એવું બહાર આવ્યું છે કે ગાઝામાંથી અગાઉ નોંધાયેલી સંખ્યા કરતા બમણી સંખ્યામાં લોકો ઈઝરાયલની સરહદમાં ઘૂસ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હમાસની કુલીન નુખબા વિંગના લગભગ 3,800 લડવૈયાઓએ ફેંસને તોડી આ બધું કરવામાં ગાઝાના નાગરિકોએ પણ સાથ આપ્યો હતો. તેમજ તે દિવસે લડવૈયાઓ સહિત લગભગ 6 હજાર ગાઝાવાસીઓએ ઇઝરાયલમાં પ્રવેશ કર્યો હતો.
આ હુમલામાં 6 હજારથી વધુ લોકોએ હુમલો કર્યો હતો
અત્યાર સુધી ઈઝરાયલી સેના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, 7 ઓક્ટોબરે થયેલા હુમલામાં હમાસ 3 હજાર લડવૈયાઓએ ભાગ લીધો હતો. આ ડેટામાં એવા લોકોનો સમાવેશ થતો નથી કે જેમણે લડવૈયાઓ સાથે ફેંસ ઓળંગી હતી અને હુમલામાં ભાગ લીધો હતો, પરંતુ તે હમાસના સભ્યો ન હતા.
હમાસ સિવાય ગાઝામાં પ્રવેશનારા લોકો કોણ હતા?
આ નવા રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે હમાસ સિવાય ઈઝરાયલમાં ઘૂસણખોરી કરનારા અન્ય 2200 ગાઝાવાસીઓ કોણ હતા, શું તેઓ કોઈ સંગઠન સાથે સંકળાયેલા હતા કે પછી સામાન્ય નાગરિક હતા. એવું માનવામાં આવે છે કે, આ 2200 અન્ય ગાઝાવાસીઓમાંથી ઘણા આમ નાગરિકો હતા, જ્યારે કેટલાક ફિલિસ્તીનના બીજા નાના વિદ્રોહ ગ્રુપ અથવા ફિલિસ્તીની ઇસ્લામિક જેહાદ જેવા અન્ય સંગઠનોના સભ્યો હતા.
119 સ્થળોએ હુમલા થયા
7 ઓક્ટોબરે થયેલા હુમલામાં લગભગ 1200 ઈઝરાયલી લોકોના મોત થયા હતા. આ હુમલાના એક વર્ષ પછી પણ તેનાથી પ્રભાવિત લોકોમાં તેની યાદો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓ દ્વારા લગભગ 119 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે અગાઉના અહેવાલમાં આ સંખ્યા 60 જણાવવામાં આવી હતી. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, તે દિવસે ગાઝાથી ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં લગભગ એક હજાર લડવૈયા સામેલ હતા. આ હિસાબે આ હુમલામાં સહભાગીઓની કુલ સંખ્યા 7 હજાર થઈ જાય છે.
ઇઝરાયલ પર લગભગ 5 હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા
IDF અનુસાર 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર લગભગ 5 હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા. જેમાંથી 3 હજાર પહેલા ચાર કલાકમાં છોડવામાં આવ્યા હતા. ચેનલ 12એ કહ્યું કે, આ હુમલાની તપાસ હજુ પૂરી થઈ નથી. સાથે-સાથે એવું પણ જણાવવામાં આવ્યું કે, નવી તપાસ IDF ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીને સોંપવામાં આવી છે.


