- ઈઝરાયલના કડક વલણ બાદ હમાસ દ્વારા ચેતવણી આપવામાં આવી
- ઈઝરાયલ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો બંધકો તાબુતોમાં પરત ફરશે
- ઈઝરાયલના લોકોએ બંધકોને સુરક્ષિત પરત લાવવા સરકારને કરી અપીલ
ગાઝામાં ઈઝરાયલના 6 બંધકોના મોત બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે દબાણ વધી રહ્યું છે. સોમવારે ઈઝરાયલના પીએમના કડક વલણ બાદ હમાસની સશસ્ત્ર વિંગે ચેતવણી આપી હતી કે જો ઈઝરાયલ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો બંધકો તાબુતોમાં ઈઝરાયલની ધરતી પર પહોંચશે. તેમણે એમ પણ કહ્યું કે, બંધકોની સુરક્ષામાં લાગેલા મુજાહિદ્દીનને નવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
એઝેદ્દીન અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા આપ્યું નિવેદન
એઝેદ્દીન અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ કરારને બદલે સૈન્ય કાર્યવાહી ચાલુ રાખીને કેદીઓને મુક્ત કરવાના આગ્રહનો અર્થ એ થશે કે બંધકો તાબૂતોમાં તેમના પરિવારો પાસે પાછા ફરશે.
મુજાહિદ્દીનને આપવામાં આવ્યા નવા નિર્દેશ
તેમણે ચેતવણી આપતા કહ્યુ કે, બંધકોની રક્ષા કરી રહેલા મુજાહિદ્દીનને નવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો ઈઝરાયલની સેના બંધકોને રાખવામાં આવેલ સ્થળ પર પહોંચી જાય તો તેમની સાથે લડી રહેવું.
હમાસનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે
નેતન્યાહુએ અગાઉ કહ્યું હતું કે, જે 6 બંધકોના મૃતદેહ મળી આવ્યા છે. તેને હમાસના આતંકવાદીઓએ ફાંસી આપી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસ સામે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે “જેઓ બંધકોને મારી નાખે છે તેઓ ગાઝા યુદ્ધવિરામ માટે કોઈ સોદો ઇચ્છતા નથી.” નેતન્યાહુએ વચન આપ્યું હતું કે, તે હમાસના આતંકવાદીઓનો નાશ કરવામાં આવશે. 6 બંધકોના મોત બાદ ઈઝરાયલના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પીએમને બંધકોને જલ્દી મુક્ત કરવા અપીલ કરી હતી.
હજુ પણ હમાસના કબજામાં 101 બંધક
ઉલ્લેખનીય છેકે, હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કરવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકા, કતાર અને ઈજીપ્ત મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હમાસ ગાઝામાંથી ઇઝરાયલના દળોને સંપૂર્ણ પાછી ખેંચવાની અને કાયમી યુદ્ધવિરામની માંગ પર અડગ છે. બીજી તરફ ઇઝરાયલ હમાસના સંપૂર્ણ વિનાશ બાદ જ યુદ્ધ રોકવાની વાત કરી રહ્યું છે. નેતન્યાહુના આ નિર્ણયોથી ઈઝરાયલના લોકો ખૂબ જ નારાજ છે. લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સરકારને અપીલ કરી રહ્યા છે કે બંધકોને સુરક્ષિત રીતે ઘરે લાવવા માટે શક્ય તેટલી વહેલી તકે સમાધાન કરવામાં આવે.
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1200 લોકોના મોત
છેલ્લા 11 મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1200 લોકોના મોત થયા છે. લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હમાસે હજુ પણ 100થી વધુ ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી રાખ્યા છે. જ્યારે ગાઝામાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ ફિલિસ્તીનિયોના મોત થયા છે. લગભગ 23 લાખ લોકોમાંથી લગભગ 90 ટકા લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.


