- ગાઝામાં આવેલા શરણાર્થી કેમ્પનો વિનાશ
- ઈઝરાયલે ગાઝામાં ભારે બોમ્બમારો કરતા શરણાર્થી શિબિરો ધ્વસ્ત
- યુદ્ધવિરામના તમામ પ્રયાસો છતાં ઈઝરાયલનો કહેર યથાવત્
ઈઝરાયલ અને હમાસ વચ્ચે આઠ મહિના કરતાં વધુ સમયથી ભીષણ યુદ્ધ યથાવત્ છે ત્યારે ઈઝરાયેલે ફરી એકવાર વિનાશ વેર્યો છે. ગાઝાના જુદાજુદા વિસ્તારોમાં ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 101 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા, જ્યારે 200થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલી સેનાએ ગાઝાના સૌથી જૂના શરણાર્થી કેમ્પ અલ શાતી પર સૌથી ઘાતક હુમલો કર્યો હતો, જેમાં 24 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. આ હુમલાઓમાં ઘણા શરણાર્થી શિબિરો નાશ પામ્યા છે.
ઈઝરાયેલની સેનાએ અલ તુફાહ કેમ્પ પર બીજો મોટો હુમલો કર્યો. આમાં 18 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. તે જ સમયે, ઇઝરાયેલની સેનાએ ઇજિપ્ત અને ગાઝાની સરહદ પર સ્થિત રફાહના શરણાર્થી કેમ્પ પર પણ બોમ્બ ફેંક્યા હતા. એક પ્રત્યક્ષદર્શી હસન ઝાયરાએ કહ્યું, “જ્યારે આ ઘટના બની ત્યારે હું મારા ઘરથી 300 મીટર દૂર હતો. મેં બોમ્બ બ્લાસ્ટ સાંભળ્યો, તેથી મને લાગ્યું કે તે મારા ઘરની નજીક છે. મેં મારી પત્ની, પુત્ર, પૌત્રી અને પુત્રીને કહ્યું. હોસ્પિટલમાં અડધી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, કેટલાક ઓરડાઓ નાશ પામ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ઘાયલ અને મૃત લોકોને કાટમાળમાંથી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. ગાઝા સિવિલ ડિફેન્સ અનુસાર, માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકો છે. તે જ સમયે, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેના ફાઈટર પ્લેન્સે હમાસના સૈન્ય સ્થાપનને નિશાન બનાવ્યું હતું. આ વિશે વધુ માહિતી પછીથી આપવામાં આવશે.
ગત વર્ષે 7 ઓક્ટોબરથી ગાઝામાં ચાલી રહેલી ઈઝરાયેલ સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 37 હજાર 551 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 85 હજારથી વધુ ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલ સરકાર પર હમાસની કેદમાંથી બંધકોને છોડાવવા માટે દબાણ વધી રહ્યું છે. તાજેતરના દિવસોમાં, બંધકોના સંબંધીઓ તેલ અવીવમાં સતત પ્રદર્શન કરી રહ્યા છે.
ઈઝરાયેલ હાલમાં તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, એક તરફ ગાઝામાં યુદ્ધવિરામ માટે તેના પર ભારે આંતરરાષ્ટ્રીય દબાણ છે, તો બીજી તરફ હમાસની કેદમાંથી બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલના શહેરોમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શનિવારે, હજારો લોકો તેલ અવીવની શેરીઓમાં ઉતર્યા અને કૂચ કરી. દેખાવકારોએ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે.
બંધકોના પરિવારોને ડર છે કે જો ઈઝરાયેલ યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો યુદ્ધ આગળ વધશે અને વધુ બંધકો માર્યા જશે. પ્રદર્શનમાં સામેલ લોકોએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના રાજીનામાની પણ માંગ કરી હતી. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. એક વિરોધકર્તા લિયાડ સુએઝ-કરનીએ કહ્યું કે આપણે બધા શાંતિથી જીવવા માંગીએ છીએ.
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને 250થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસે અત્યાર સુધીમાં લગભગ અડધા બંધકોને મુક્ત કર્યા છે, જ્યારે 41 બંધકોના મોત થયા છે. પરંતુ હજુ પણ તેની કેદમાં લગભગ 116 ઇઝરાયલી નાગરિકો છે. આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું, ત્યારબાદ પોલીસે બળપ્રયોગ કર્યો.


