ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બહુપ્રતિક્ષિત યુદ્ધવિરામ કરારના અમલીકરણ પછી, ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે રવિવારે (19 જાન્યુઆરી, 2025) તેમના દેશના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો.
15 મહિનાના સંઘર્ષ બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ યુદ્ધ 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી શરૂ થયું હતું. આ સમજૂતીથી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવામાં અને હમાસ દ્વારા રાખવામાં આવેલા ઈઝરાયેલના બંધકોને મુક્ત કરવામાં મદદ મળવાની અપેક્ષા છે. ઇઝરાયલી એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયોમાં રુવેન અઝારે કહ્યું કે, ‘હું ભારત સરકારનો આત્મરક્ષાના અમારા અધિકારને સમર્થન આપવા બદલ આભાર માનવા માંગુ છું અને અમે ખાસ કરીને ભારતીય લોકોના જબરદસ્ત સમર્થનની પ્રશંસા કરીએ છીએ.’
7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસ દ્વારા ઇઝરાયેલના શહેરો પરના હુમલાના જવાબમાં ઇઝરાયેલે ગાઝામાં મોટા પાયે લશ્કરી હુમલો કર્યો. ભારતે સતત યુદ્ધવિરામ અને પેલેસ્ટાઈન મુદ્દાના બે-રાજ્યના ઉકેલ તરફ સીધી શાંતિ વાટાઘાટો માટે વાતાવરણ ઊભું કરવાની હાકલ કરી છે. ઇઝરાયલના રાજદૂતે કહ્યું કે, ‘ઇઝરાયેલે જે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા છે તે ક્રમિક કરારનો પહેલો તબક્કો છે જે આપણા બંધકોને પરત લાવવામાં મદદ કરશે અને એ પણ સુનિશ્ચિત કરશે કે હમાસ ક્યારેય ઇઝરાયલી લોકો સામે નરસંહાર કરી શકશે નહીં જેમ કે તેણે 7 ઓક્ટોબર (2023) ના રોજ કર્યું હતું. તેમણે કહ્યું કે જો હમાસને ફરીથી શસ્ત્રસરંજામ આપવા અને ફરીથી ગોઠવવાની મંજૂરી આપવામાં આવે તો શાંતિ સ્થાપિત થશે નહીં.
રુવેન અઝારે ઈરાન પર પણ નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ઈરાની શાસન હજુ પણ આપણા ક્ષેત્ર માટે સૌથી મોટો ખતરો છે. ભારતે બુધવારે ગાઝા યુદ્ધવિરામ કરારનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે બંધકોની મુક્તિ અને ગાઝામાં યુદ્ધવિરામ માટે કરારની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ.’ વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે આ ગાઝાના લોકોને માનવતાવાદી સહાયની સલામત અને સતત સપ્લાય સુનિશ્ચિત કરશે.’


