જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો અને ત્યારબાદ ભારત સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ અને ભારતે આ ઓપરેશન હેઠળ પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરી દીધા. આ દરમિયાન ઈઝરાયલે ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી અને મેજર જનરલ અમીર બારામએ આ અંગે ભારતના સંરક્ષણ સચિવ સાથે વાતચીત કરી છે.
આતંકવાદ સામે ભારતની ન્યાયી લડાઈમાં ઈઝરાયલના સંપૂર્ણ સમર્થનની વાત કરી
ભારતીય સંરક્ષણ મંત્રાલયે ટ્વીટર પર પોસ્ટ કર્યું કે ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ (RES) અમીર બારામએ ગુરુવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ સાથે વાત કરી. તેમણે આતંકવાદ સામે ભારતની ન્યાયી લડાઈમાં ઈઝરાયલના સંપૂર્ણ સમર્થનની વાત કરી છે. ઈઝરાયલે પણ ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઈઝરાયલે ખુલ્લેઆમ ભારતને ટેકો આપ્યો છે. ઈઝરાયલી રાજદૂત રુવેન અઝારે કહ્યું કે આતંકવાદીઓએ જાણવું જોઈએ કે નિર્દોષ લોકો સામેના તેમના જઘન્ય ગુનાઓથી બચવા માટે તેમના માટે કોઈ જગ્યા નથી. ઈઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સંપૂર્ણ સમર્થન આપે છે.
ભારતે ઈઝરાયલી ડ્રોનથી પાકિસ્તાની મિસાઈલો તોડી પાડી
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નાપાક પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે પાડોશી દેશના ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા. ભારતીય સેનાએ હાર્પી ડ્રોનથી પાકિસ્તાનના હવાઈ સંરક્ષણને તોડી પાડ્યું. આ હાર્પી ડ્રોન ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAI) દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે માનવરહિત છે. આ સિવાય ભારતીય સેનાએ સ્વદેશી હથિયારો અને મિસાઈલ જેવી કે બ્રહ્મોસ, આકાશથી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને માત્ર 4 દિવસમાં જ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું અને પાકિસ્તાન સીઝફાયર કરવા માટે કરગરવા લાગ્યું.


