- ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ યથાવત
- હમાસના અનેક ઠેકાણા પર ઈઝરાયેલ સૈનિકોએ કરી સ્ટ્રાક
- 250 બંધકોને બચાવાયા અને 60થી વધુ આતંકી ઠાર
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ સતત ચાલુ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહ્યું છે. તેવામાં ઇઝરાયલી સંરક્ષણ દળોએ હમાસના ઠેકાણામાં ઘૂસીને 250 બંધકોને બચાવામાં આવ્યા છે.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધી રહ્યું છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. જોકે હમાસના આતંકી અડ્ડામાં અનેક લોકો બંધક હતા જે ઇઝરાયલી સંરક્ષણ દળોએ હમાસના ઠેકાણામાં ઘૂસીને બંધક બનાવવામાં આવેલા 250 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ઈઝરાયેલની સેનાએ આ ઓપરેશન સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે.
60 હમાસ લડવૈયાઓ માર્યા ગયા
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો છે જેમાં આસપાસના વિસ્તારમાં સુરક્ષા ચૂસ્તપણે તૈનાત કરવામાં આવી હતી. જવાનોએ લગભગ 250 બંધકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આ સાથે 60થી વધુ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. હમાસ સધર્ન નેવલ ડિવિઝનના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત 26 આતંકી ઝડપાયા છે.
ઓપરેશન પડ્યુ પાર
વીડિયોમાં જોઇ શકાય છે કે, ઈઝરાયેલના સૈનિકો એક ઈમારતની અંદર ઘૂસી રહ્યા છે. આ દરમિયાન ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે. એક સૈનિક પાછળથી ગોળીબાર કરતો અને બીજો પોસ્ટ પર ગ્રેનેડ ફેંકતો જોઈ શકાય છે. સૈનિકો બંકરની અંદર ગયા અને બંધકોને ખાતરી આપી કે તેઓ તેમને બચાવવા ત્યાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૈનિકો ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર લઈ જઈ રહ્યા છે.
ગાઝામાંથી 11 લાખ લોકોને છોડવાનો આદેશ
યુએનના પ્રવક્તાએ જણાવ્યું કે ઈઝરાયેલી સેનાએ શુક્રવારે ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને 24 કલાકની અંદર ત્યાંથી નીકળી જવાનો નિર્દેશ આપ્યો છે. યુએનના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે જણાવ્યું હતું કે આ આદેશથી “વિનાશક માનવતાવાદી પરિણામો”નું જોખમ છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલે હમાસ સામે બદલો લેવાની કાર્યવાહી તેજ કરી છે. આ આદેશનો તાત્પર્ય એ હોઈ શકે છે કે જમીની હુમલાઓ વધુ તીવ્ર થઈ શકે છે, જોકે ઈઝરાયેલની સેનાએ આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. ગુરુવારે સેનાએ કહ્યું હતું કે તે જમીની હુમલાની તૈયારી કરી રહી છે પરંતુ હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ગાઝા પટ્ટીમાં 1,500 થી વધુ લોકો માર્યા ગયા
ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલના હુમલામાં મૃત્યુઆંક 1,569 પર પહોંચી ગયો છે, જ્યારે 7,212 અન્ય લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગાઝામાં મૃત્યુઆંક 1,537 પર પહોંચી ગયો છે, જેમાં 500 બાળકો અને 276 મહિલાઓનો સમાવેશ થાય છે. શનિવારે પેલેસ્ટિનિયન ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (હમાસ) દ્વારા મોટા પાયે કરાયેલા ઓચિંતા હુમલાના જવાબમાં ઇઝરાયેલે હમાસ ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કર્યો અને ગુરુવારે ગાઝાના વિવિધ વિસ્તારોમાં ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ રહ્યા. ઇઝરાયલના જાહેર પ્રસારણકર્તા કાને કહ્યું કે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1,300ને વટાવી ગયો છે.