ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. એક આતંકવાદીએ ચાકુ વડે તીક્ષ્ણ હુમલામાં ચાર લોકોને ઘાયલ કર્યા છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે તેને આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે નહલાત બિન્યામીન સ્ટ્રીટ પર ત્રણ લોકોને ચાકુ માર્યા હતા, પછી નજીકની ગ્રુઝેનબર્ગ સ્ટ્રીટ પર ચોથા વ્યક્તિ પર હુમલો કર્યો હતો.
ટુરિસ્ટ વિઝા પર ઈઝરાયેલમાં આતંકીની ઘૂસણખોરી
ઈઝરાયેલ પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો કરનાર આતંકવાદી અબ્દેલ અઝીઝ કદ્દી મોરોક્કનો નાગરિક છે. તેની પાસેથી અમેરિકન ગ્રીન કાર્ડ પણ મળી આવ્યું છે. ઈઝરાયેલ પોલીસે આતંકીને ઠાર કર્યો છે. હુમલાખોર પાસેથી એક આઈડી પણ મળી આવ્યું છે. તે 18 જાન્યુઆરીએ ટૂરિસ્ટ વિઝા પર ઈઝરાયેલ આવ્યો હતો.
ઈઝરાયેલમાં પ્રવેશ કરતી વખતે કરાયું હતું ચેકિંગ
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ સુરક્ષા એજન્સી શિન બેટના અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી અબ્દેલ અઝીઝને ઈઝરાયેલમાં પ્રવેશ કરતી વખતે સુરક્ષાકર્મીઓએ રોક્યો હતો, પરંતુ બાદમાં તેને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈઝરાયેલમાં ત્રણ દિવસમાં આ બીજો આતંકવાદી હુમલો છે. છરીના હુમલામાં ઘાયલ 4 લોકોની ઉંમર 24 થી 59 વર્ષની વચ્ચે છે.
આતંકીઓએ લોકો પર હુમલો કર્યો
મળતી માહિતી મુજબ હુમલાખોરે પહેલા ત્રણ લોકોને ચાકુ માર્યા હતા. ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડવા લાગ્યા હતા. આતંકવાદીએ ભાગી રહેલા લોકો પર હુમલો કર્યો અને એક વ્યક્તિને ચાકુ માર્યું. આ રીતે આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ પોલીસે આતંકીને ઠાર કર્યો છે.


