- રેલીમાં એટલા માટે આવ્યો કેમ કે મને મારા ભવિષ્યનો ડર છે : એક પ્રદર્શનકારી
- રેલીમાંના લોકોએ વડાપ્રધાનપદ માટે નવી ચૂંટણી કરાવવા અને ગાઝામાં કેદ લોકોને પાછા લાવવાની માગ કરી
- રેલીમાં દેખાવકારોના હાથમાં ‘ક્રાઇમ મિનિસ્ટર’ અને ‘યુદ્ધ બંધ કરો’ લખેલાં પોસ્ટરો
ગયા વર્ષની સાતમી ઓક્ટોબરથી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. જે બચી ગયા કે બચી જવામાં સફળ થયા તેમનો આશરો છીનવાયો છે અને શરણાર્થી જીવન જીવી રહ્યા છે.
તેમનાં બાળકો ભૂખમરાનો શિકાર બની રહ્યાં છે. આ બધાં છતાં ગાઝામાં હજુ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને રોકવા માટે પ્રદર્શનો થઈ રહ્યાં છે. શનિવારે ઇઝરાયેલમાં યુદ્ધના વિરોધમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન થયું હતું. ઇઝરાયેલનો ધ્વજ લહેરાવતા અને વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ સરકાર વિરોધી સૂત્રો પોકારતા હજારો દેખાવકારોએ શનિવારે તેલ અવીવમાં રેલી કાઢી હતી. આ રેલીમાંના લોકોએ વડાપ્રધાનપદ માટે નવી ચૂંટણી કરાવવા અને ગાઝામાં કેદ લોકોને પાછા લાવવાની માગ કરી હતી.
ગાઝામાં થઈ રહેલા હુમલાની નેતન્યાહૂની રીત સામે મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યાં છે. રેલીમાં દેખાવકારોના હાથમાં ‘ક્રાઇમ મિનિસ્ટર’ અને ‘યુદ્ધ બંધ કરો’ લખેલાં પોસ્ટરો હતાં. લોકોની મોટી ભીડ મુખ્ય માર્ગ પર ઊમટી પડી હતી. સરકાર વિરોધી પ્રદર્શનકારી સંગઠન હોફ્શી ઇઝરાયેલે અનુમાન વ્યક્ત કર્યું કે રેલીમાં 1,50,000 કરતાં વધારે લોકો જોડાયા હતા.
ઇઝરાયેલમાં લોકશાહીના મૃત્યુનો સંદેશ
વૈશ્વિક સ્તરના મીડિયા સાથેની વાતચીતમાં એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, હું એટલા માટે આવ્યો છું કે મને મારા ભવિષ્યનો ડર છે. જો અમે બહાર નહીં નીકળીએ અને આ ખતરનાક સરકારથી છુટકારો નહીં મેળવીએ તો કશું ભવિષ્ય નહીં હોય. ડેમોક્રસી સ્ક્વેરમાં કેટલાક દેખાવો કરનારાઓ પોતાના શરીર પર લાલ રંગ લગાડીને જમીન પર સૂઈ ગયા હતા. તેનાથી તેઓ નેતન્યાહૂ શાસનમાં દેશની લોકશાહીના મૃત્યુનો સંદેશ આપી રહ્યા હતા. ઇઝરાયેલની ઘરેલુ સુરક્ષા એજન્સીના પૂર્વ પ્રમુખ યુવલ ડિસ્કિને નેતન્યાહૂને ઇઝરાયેલના ‘સૌથી ખરાબ વડાપ્રધાન’ કહ્યા. એક ટૂર ગાઇડ યોરમે કહ્યું કે તેઓ દર અઠવાડિયે વિરોધપ્રદર્શનમાં ભાગ લે છે કેમ કે નેતન્યાહૂના કારણે ઇઝરાયેલમાં ચૂંટણીની જરૂર છે.


