ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગના એંધાણ વર્તાઇ રહ્યા છે. શુક્રવારે ઇઝરાયેલી દળોએ દક્ષિણ બૈરુતમાં ટાર્ગેટેડ હુમલા કર્યા હતા, જેમાં હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર સહિત 8 લોકો માર્યા ગયા હતા અને 59 ઘવાયા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના એલિટ યુનિટ ‘રદવાન’નો વડો ઇબ્રાહીમ અકિલ માર્યો ગયો છે. ગત વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઇઝરાયેલે આ ત્રીજી વખત દક્ષિણ બૈરુતમાં હવાઇ હુમલા કર્યા છે. બીજી તરફ હિઝબુલ્લાહે પણ વળતા હુમલા કર્યા છે. શુક્રવારે હિઝબુલ્લાહ દ્વારા ઉત્તર ઇઝરાયેલના વિવિધ વિસ્તારોને નિશાન બનાવીને 140 રોકેટનો મારો કરાયો હતો. ઇઝરાયેલી સેનાએ પુષ્ટિ કરી હતી કે લેબેનોન સાથે જોડાયેલી સરહદને શુક્રવારે બપોરે ત્રણ તરફથી નિશાન બનાવાઇ હતી. હિઝબુલ્લાહે કહ્યું કે અમારા કત્યુશા રોકેટોએ સરહદા પર ઘણા ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા હતા, જેમાં એક એર ડિફેન્સ બેઝની સાથે-સાથે ઇઝરાયેલની બખ્તરિયા બ્રિગેડનું વડુંમથક પણ સામેલ છે. દક્ષિણ લેબેનોનના ગામો અને ઘરો પર ઇઝરાયેલી હુમલાના જવાબમાં આ રોકેટ હુમલો કરાયો હતો.
હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહે ગુરુવારે ચેતવણી આપી હતી કે કમ્યુનિકેશન ઉપકરણો મારફતે થયેલો ઘાતક હુમલો ગંભીર આંચકો હતો, જેણે તમામ હદ વટાવી દીધી હતી. અમે વધુ મજબૂત થઈને સામે આવીશું અને ઇઝરાયેલ પર હુમલા ચાલુ રાખીશું. નસરલ્લાહે અજાણ્યા સ્થળેથી વીડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેનું જીવંત પ્રસારણ કરાયું હતું.
ભીષણ યુદ્ધના એંધાણ તેજ
આ સપ્તાહે લેબેનોનમાં પેજર અને અન્ય કમ્યુનિકેશન ઉપકરણોમાં વિસ્ફોટો અને ત્યાર બાદ સામસામે હવાઇ હુમલાથી એવી ભીતિ સેવાઇ રહી છે કે ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે 11 મહિનાથી ચાલી રહેલા ગોળીબાર મોટા યુદ્ધમાં બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે કમ્યુનિકેશન ઉપકરણોમાં વિસ્ફોટોમાં 37 લોકોનાં મોત થયા હતા અને 3,000 લોકો ઘાયલ થયા હતા. એમ માનવામાં આવી રહ્યું છે કે પેજર અને વોકીટોકી સેટમાં ઇઝરાયેલે વિસ્ફોટ કર્યા હતા. હસન નસરલ્લાહે પણ આ વિસ્ફોટો માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું. થોડા સમય પહેલાં જ હિઝબુલ્લાહે કહ્યું હતું કે તેણે સરહદની નજીક ઉત્તર ઇઝરાયેલમાં 3 સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જેમાં બે ડ્રોન વડે હુમલા કરાયા હતા. પરંતુ ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ડ્રોન વસ્તી પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા હતા.


