ખાનગીકરણ સહિતના મુદ્દે બેંક-એલઆઇસી કર્મીઓની ગુરુવારે હડતાલ
મજુર કાયદાઓમાં મજદૂર, કર્મચારીઓના હિત વિરોધી સુધારાઓ તથા ખાનગીકરણનો સહિતના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિવિધ મુદ્દા વણી ઉગ્ર વિરોધ
અગ્ર ગુજરાત,રાજકોટ
કેન્દ્ર સરકાર દ્વારા લેબર કોડમાં કરાયેલા મજદૂર તથા કર્મચારી વિરોધી સુધારાઓ તથા દેશના જાહેર સાહસોના ખાનગીકરણની નીતિના વિરોધમાં દેશના રાષ્ટ્રીયસ્તરના ટોચના 10 કેન્દ્રીય કર્મચારી , અધિકારીઓના સંગઠનોએ તા.12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલના આપેલા એલાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના બેંક તથા એલઆઇસી કર્મચારીઓ સંયુક્ત રીતે હડતાલમાં જોડાશે તેથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હડતાલ અભૂતપૂર્વ અને સજ્જડ બની રહેશે તેમજ એલઆઈસી કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના ટોચના યુનિયન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇસ એસોસિયેશનના ઓલ ઇન્ડિયા વાઈસ પ્રેસિડેન્ટ અને વેસ્ટર્ન ઝોનના જનરલ સેક્રેટરી તથાવીમા કર્મચારી નેતા હર્ષદ પોપટે જણાવ્યું હતું.
હર્ષદભાઈ જણાવ્યું હતું કે તા. દર 12મીની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં બેકિંગ ક્ષેત્ર તથા એલઆઈસીના રાષ્ટ્રીય સ્તરના ટોચના અગ્રણી કર્મચારી યુનિયનો હિત અન્ય સ્વતંત્ર ફેડરેશનો તથા સંગઠનોના કર્મચારીઓ અધિકારીઓ પણ જોડાશે. સરકારે મજૂર સંબંધી કાયદાઓમાં કોર્પોરેટ ગૃહોને લાભ થાય અને કર્મચારીઓ તથા મજદૂરોનું હિત જોખમાય તેવા જે સુધારા કર્યા છે તેની સામે કર્મચારીઓ તથા મઝદૂરોમાં ભારે રોષ આક્રોશ વ્યાપી ગયો છે મજદૂર તથા કર્મચારીઓના હિતોની હોળી કરવામાં આવી રહી છે ત્યારે આ હડતાલમાં જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું છે.
આ હડતાલની વિવિધ માગણીઓમાં એલ.આઇ.સી કચેરીઓમાં વર્ગ 3 તથા 4 ની ખાલી પડેલી હજારો જગ્યાઓની ભરતી કરવા, એલઆઈસીનો આઇપીઓ માર્કેટમાં ફરી લાવી સરકારના હિસ્સાનું વેચાણ કરવાની તજવીજના વિરોધમાં તથા એલ.આઇ.સી શાખાઓના બિલ્ડીંગના પ્રશ્નો તથા કર્મચારીઓના અણઉકેલ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથેના વિવિધ મુદ્દા વણી લેવામાં આવ્યા છે.


