- રિષભ પંત એક ભયાનક કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો
- એવું લાગ્યું કે આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો
- પંત સ્વસ્થ થઇને સામાન્ય થવાનો પ્રયાસ કરી રહ્યો છે
વર્ષ 2022માં 30મી ડિસેમ્બર એ દિવસ હતો જ્યારે ભારતીય ક્રિકેટર રિષભ પંત એક ભયાનક કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેની કાર સળગી રહી હતી અને પંત તેની અંદર ફસાઈ ગયા હતા. પંતને સ્થાનિક લોકો અને બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. તે ઘટનાના ઘણા મહિનાઓ પછી, પંત સ્વસ્થ થઇને સામાન્ય થવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેણે પ્રથમ વખત તેની અગ્નિપરીક્ષા જણાવી છે. પંતે કહ્યું છે કે તે ઘટના પછી તે શું વિચારી રહ્યો હતો અને તે કેવી રીતે પાછા ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યો છે.
દુનિયામાં મારો સમય પુરો થયો
એક ઈન્ટરવ્યુમાં પંતે કહ્યું, “પહેલીવાર એવું લાગ્યું કે આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો છે. તમને એ પણ ખબર નથી કે આ વાત કેટલી મોટી હોઈ શકે છે. આટલા મોટા અકસ્માત પછી પણ હું જીવતો હતો. કોઇકે મને બચાવ્યો.”
રિકવર થવામાં લાગશે 18 મહિના
પંતે વધુમાં કહ્યું કે ડૉક્ટરે કહ્યું કે મને ઠીક થવામાં 16થી 18 મહિનાનો સમય લાગશે. દરેક વ્યક્તિને બીજું જીવન મળતું નથી. નોંધનીય છે કે ઋષભ પંતનો આ ઈન્ટરવ્યુ ટેલિકાસ્ટ થયો નથી. એક નાનો ભાગ કાપીને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ ઇન્ટરવ્યુ 1 ફેબ્રુઆરીના રોજ પ્રસારિત કરવામાં આવશે.
આઇપીએલમાં કરી શકે છે વાપસી
નોંધનીય છે કે તે અકસ્માત બાદ રિષભ પંત સતત સાજા થવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ક્યારેક તે જીમમાં જોવા મળે છે તો ક્યારેક વોર્મ અપ કરતો જોવા મળે છે. રિષભ પંત ફરીથી પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે. કદાચ તે ફિટ થઈને આઈપીએલ દ્વારા મેદાનમાં પરત ફરી શકે છે.
દિલ્હી કેપિટલ્સની કરી શકે છે કપ્તાની
પંત દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન્સી કરતો જોવા મળી શકે છે. અકસ્માત બાદ તે ગયા વર્ષે આઈપીએલમાં રમી શક્યો ન હતો. આ સિવાય તે વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો હતો. ઘણી મહત્વની ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ પંત હવે કમબેક કરવા પર ધ્યાન આપી રહ્યો છે.


