આપણે સહુ હિંસાનો અંત લાવવાના મહત્ત્વને જોઈએ છીએ અને વિચારીએ છીએ કે એક વ્યક્તિ તરીકે મારે હિંસાથી કેવી રીતે મુક્ત થવું? માત્ર ઉપલક દૃષ્ટિએ નહીં, પરંતુ સંપૂર્ણપણે, પૂરેપૂરી રીતે, આંતરિકપણે મારે હિંસાથી કેવી રીતે મુક્ત થવું? જો અહિંસાનો આદર્શ મનને હિંસાથી મુક્ત ન કરી શકે તો શું હિંસામાં કારણોનું વિશ્લેષણ હિંસાનો અંત લાવવામાં મદદ કરશે?
છેવટે તો આ આપણી ગંભીર સમસ્યા છે, શું તે ગંભીર સમસ્યા નથી? આખુંયે વિશ્વ હિંસાથી ઘેરાઈ ગયું છે, યુદ્ધોમાં પડ્યું છે. આપણા સંગ્રહવૃત્તિ ધરાવતા લોભી સમાજનું બંધારણ જ અનિવાર્યપણે હિંસક છે અને જો વ્યક્તિ તરીકે તમે અને હું હિંસાથી સંપૂર્ણપણે, આંતરિકપણે મુક્ત થવા માંગતા હોઈએ, તે પણ માત્ર ઉપલક દૃષ્ટિએ નહીં કે શાબ્દિકપણે નહીં, તો સ્વાર્થી બન્યા વગર આપણે શરૂઆત કેવી રીતે કરવી?
તમે સમસ્યાને બરાબર સમજો છો, શું નથી સમજતા? જો મારો હેતુ મનને હિંસાથી મુક્ત કરવાનો હોય અને હું હિંસાને નિયંત્રિત કરવા માટે શિસ્તબદ્ધ થવાનો પ્રયત્ન કરું અને હિંસાને અહિંસામાં બદલવાનો પ્રયત્ન કરું તો ચોક્કસપણે તેથી સ્વ-કેન્દ્રિત (સ્વાર્થી) વિચાર અને તેવી જ પ્રવૃત્તિ મારા મનમાં આવે છે, કારણ કે મારું મન બધો જ સમય એક વસ્તુથી છુટકારો મેળવવામાં અને બીજી કોઈક વસ્તુ પ્રાપ્ત કરવામાં કેન્દ્રિત થયેલું રહે છે. તેમ છતાં મન હિંસાથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું મહત્ત્વ હું જોઉં છું. તો મારે શું કરવું? એ તો ચોક્કસ છે કે આ પ્રશ્ન આપણે કેવી રીતે હિંસક ન બનવું તેના વિષે નથી. એ હકીકત છે કે આપણે હિંસક છીએ અને એમ પૂછવું કે, `મારે કેવી રીતે હિંસક ન બનવું?’ તે કેવળ એક આદર્શ બતાવશે, જે મને લાગે છે કે તદ્દન નિરર્થક છે, પરંતુ જો આપણે હિંસાને જોઈએ અને સમજીએ તો કદાચ હિંસાનો સમૂળગો અંત આવવાની શક્યતા રહે છે.
દ્વેષનો નાશ કરવો
આપણે જોઈએ છીએ કે વિશ્વ અત્યારે દ્વેષનો ભોગ બની રહ્યું છે. દ્વેષનું આ વિશ્વ આપણે અને આપણા પૂર્વજોએ અને તેમના પૂર્વજોએ સર્જ્યું છે. આ રીતે અજ્ઞાન બહુ ઊંડા ભૂતકાળમાં પહોંચે છે. તે કાંઈ આપોઆપ ઉદ્ભવ્યું નથી. તે માણસની ઐતિહાસિક પ્રક્રિયા જેવા અજ્ઞાનનું પરિણામ છે, શું એવું નથી? વ્યક્તિ તરીકે આપણે આપણા પૂર્વજોને અને તેમને તેમના પૂર્વજોને દ્વેષની, ભયની, લોભની વગેરે વગેરેની પ્રક્રિયાને ચાલુ રાખવામાં સહકાર આપ્યો છે. હવે વ્યક્તિગત રીતે આપણે જ્યાં સુધી આ દ્વેષના વિશ્વમાં પડ્યા રહેશું ત્યાં સુધી આપણે તેના ભાગીદાર રહેશું.
તો આ વિશ્વ તમારું જ વિસ્તરેલું સ્વરૂપ છે. જો એક વ્યક્તિ તરીકે તમે દ્વેષનો નાશ કરવા ઈચ્છતા હો તો વ્યક્તિ તરીકે તમારે દ્વેષ કરવાનું બંધ કરવું જોઈએ. દ્વેષનો નાશ કરવા માટે તમારે તમારી જાતને દ્વેષનાં મોટાં અને નાનાં સ્વરૂપોથી છૂટી પાડી દેવી જોઈએ અને જ્યાં સુધી તમે તેમાં રચ્યાપચ્યા રહો ત્યાં સુધી તમે તે અજ્ઞાન અને ભયના વિશ્વનો એક ભાગ બની રહો છો. જ્યારે વિશ્વ તમારું જ વિસ્તરેલું સ્વરૂપ છે.