- મહિલા વકીલને ત્યાં દરોડા પાડી લઈ જનારા IT અધિકારીઓનો HCમાં ઉધડો
- દસ્તાવેજો પરત કરી જાહેરમાં માફી માગવી પડશે
- હાઇકોર્ટે સમગ્ર કેસમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો ખુલાસો માંગ્યો
અધિકૃત વોરંટ વિના મહિલા વકીલની પ્રિમાઇસિસમાં દરોડો પાડી ત્યાંથી મનસ્વી રીતે ડિજિટલ અને ફીઝીકલ દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરવાના વિવાદીત પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટે ઇન્મકટેક્સ વિભાગના અધિકારીઓનો રીતસરનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે એક તબક્કે બહુ ગંભીર અને તીખી આલોચના કરતાં જણાવ્યું હતું કે, આઇટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કોઇપણ પ્રકારના વોરંટ વિના મહિલા વકીલની ઓફ્સિમાં દરોડા પાડયા છે અને ડિજિટલ અને ફિઝિકલ દસ્તાવેજો-ફાઈલો જપ્ત કર્યા છે પરંતુ જો આવું કરવાની પરવાનગી આપવામાં આવે તો પછી દેશમાં કોઇપણ વ્યવસાય કે વ્યવસાયિક સુરક્ષિત નહી રહી શકે. આ કોઇ ઇમરજન્સીનો કાળ નથી (1976-77નો સમય નથી) . આ કોઇ સ્ટેટ ઓફ્ ઇમરજન્સી નથી કે, જયાં કોઇપણ વ્યકિત મન ફવે તેવું કરે. હાઇકોર્ટે સમગ્ર કેસમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો ખુલાસો માંગ્યો છે.
હાઇકોર્ટે ઇન્કમટેક્સ વિભાગના કસૂરવાર અધિકારીઓ રાકેશ રંજન, ધ્રુમીલ ભટ્ટ, નીરજ જોગી, ઓએસ વિવેકકુમાર, એમટીએસ રણજીત ચૌધરી, ઇન્સ્પેકટર અમિત કુમાર વિરૂદ્ધ શો-કોઝ નોટિસ જારી કરી હતી અને ડિપાર્મટેન્ટને વેધક સવાલ કર્યો હતો કે, કઇ કાયદાકીય જોગવાઇ અને સત્તા હેઠળ આઇડી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પ્રોફેશનલ કેપીસીટીમાં વ્યવસાયિક વ્યકિતના ત્યાં દરોડા પાડી દસ્તાવેજો જપ્ત કર્યા છે? હાઇકોર્ટે મહિલા એડવોકેટને તેમના ત્યાંથી જપ્ત દસ્તાવેજો તાત્કાલિક પરત કરવા અને જાહેરમાં માફી માંગવા પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું અને નહી તો તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવા પણ બહુ ગંભીર ચીમકી આપી હતી.
હાઇકોર્ટે આઇટી અધિકારીઓના ગુનાહિત કૃત્યને લઇ ઇમરજન્સી કાળ જોડી ગંભીર ટિપ્પણી કરી હતી કે, જો ઇન્કમટેક્સ અધિકારીઓને આવું કરવાની છૂટ આપવામાં આવે તો, દેશમાં કોઇપણ વ્યવસાયિક સુરક્ષિત ના રહી શકે. આ કંઇ 1976-77 નું સ્ટેટ ઓફ્ ઇમરજન્સી નથી કે જયાં કોઇપણ વ્યકિત ગમે તે કરી શકે. શું તેઓ(ઇન્કમટેક્સ અધિકારીઓ) પોલીસ અધિકારીઓ છે કે, જેઓએ મહિલા વકીલના ત્યાંથી તેણીએ પ્રોફેશનલ કેપેસીટીમાં તેના અસીલના રાખેલા દસ્તાવેજો જપ્ત કરી લીધા છે..?? અત્યાચારી સત્તા વાપરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આ પ્રકારે સર્ચ કરવાની સત્તા આપી શકાય નહી કે જેમાં કોઇ વકીલે તેના અસીલના પ્રોફેશનલ કેપેસીટીમાં પોતાના ત્યાં રાખેલા દસ્તાવેજો રાખ્યા હોય.


