યુજ્જંમનેવ સદાત્માનં યોગી નિયત માનસ: II
શાંતિં નિર્વાણ પરમાં સત્સંસ્થામધિ ગચ્છતિ II6/15II
અર્થ : આમ જેણે મનને વશ કર્યું છે એવો યોગી (ઉપરના શ્લોકમાં વર્ણવ્યા મુજબ) શરીર અને મનની ક્રિયાઓને નિયમમાં રાખવાની સાધના કરે છે અને મોક્ષરૂપ પરમ શાંતિ મેળવી મારું પરમધામ પામે છે.
યોગ દ્વારા મનને વશ કરી શકાય છે. મન ઈન્દ્રિયો પર અંકુશ ધરાવે છે. ઈન્દ્રિયોને જે સુખ ભોગવવાની કામના હોય છે તે મન દ્વારા વ્યક્ત થાય છે. જેમ કે મને ખાવાનું મન થયું છે, ફલાણી વ્યક્તિ પર મારું મન આવી ગયું છે વગેરે. આવાં જે ઉચ્ચારણો આપણે સાંભળીએ છીએ તે વ્યક્તિના મન દ્વારા ઈન્દ્રિયોને ભોગવવાનાં થતાં સુખ માટેનાં હોય છે. એટલે જ ભગવાન મન દ્વારા ઈન્દ્રિયોને વશમાં લેવા પર ભાર મૂકે છે. યોગની જે ક્રિયાઓ વર્ણવવામાં આવી તેના દ્વારા વ્યક્તિ સાધના કરીને પોતાની ઈન્દ્રિયોને નિયંત્રણમાં લાવી શકે છે. ઈન્દ્રિયો એટલે શરીરના જ વિભિન્ન અવયવો.
શરીરના અવયવોનો માત્ર જ્ઞાનસાધનામાં જ ઉપયોગ કરીએ અને વાસનાયુક્ત ઉપયોગથી દૂર રાખીએ તો જ મનની શાંતિ અર્થાત્ મોક્ષ તરફની ગતિને પામી શકીએ. ભગવાન એ જ વાત કહે છે કે યોગથી શરીરના અવયવોને નિયમિત બનાવી દો, માત્ર નિયમિત જ નહીં નિયંત્રિત પણ ખરા જ. તો જ તમે પ્રભુને પામીને મોક્ષ મેળવી શક્શો અને એ રીતે તમે પ્રભુના ધામના અધિકારી બની શકશો.
નાત્યશ્નતસ્તુ યોગો અસ્તિ ન ચૈતાનમંશ્નત: II
ન ચાતિ સ્વપ્ન શીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન II6/16II
અર્થ : `હે અર્જુન! બહુ ખાનારને કે ભૂખ્યા રહેનારને માટે યોગી થવું શક્ય નથી.’ અહીંભગવાને વ્યક્તિને યોગી બનવા માટે શું શું કરવું જોઇએ તે અહીં સમજાવ્યું છે. કેટલાક માણસો જાણે કે ખાવા માટે જ જીવતા હોય છે. એ દરેક વખતે જોરદાર ભોજન ગ્રહણ કરે છે. એમાંય વળી મનગમતી ટેસ્ટફુલ વાનગી હાથ લાગી જાય એ પાછું વળીને જોતા જ નથી. ભલે પોતાનું વજન વધે, ફાંદ વધે એની એ કશી ચિંતા કરતા નથી. એમને તો પેટ ભરીને ખાવામાં જ મોજ મળે છે, સુખ મળે છે, આનંદ મળે છે. વળી બીજી બાજુ કેટલાક માણસો એટલા બધા ઉપવાસ કરે છે કે ન પૂછો વાત.
સોમવાર, ગુરુવાર, શનિવાર, સંકટચોથ, પૂનમ, અગિયારસ ઉપરાંત બીજા મુખ્ય તહેવારોમાં એમના ઉપવાસ અવશ્ય હોય જ છે. ઉપવાસ શરીર માટે જરૂરી છે, પણ માફકસરના ઉપવાસ કરવા. લાંઘણ કરીને ભક્તિ કે યોગ થઇ શકે નહીં.
ઊંઘવાની બાબત પણ એવી જ છે. જેનો આહાર વધુ એની નીંદર વધુ. વધુ પડતું ખાવાથી એ માણસ સતત ઊંઘમાં જ રહે છે. એની આંખો પર ઘેન છવાયેલું હોય છે. તો બીજી તરફ કેટલાક ભક્તો સતત જાગરણ કરીને જ ભગવાનને પ્રસન્ન કરવાના મતના હોય છે. બહુ જમવું, ખૂબ ઓછું જમવું, બહુ ઊંઘવું કે ખૂબ જાગવું આ ચારે બાબત મનુષ્યને હાનિકારક છે. આને લીધે તેનું ચિત્ત ઠરતું નથી. તે સતત ચિંતા અને ટેન્શનમાં જ રહે છે. નથી ભક્તિ થઇ શકતી કે નથી ઘરનાં બીજાં અગત્યનાં કામ પણ થઇ શકતાં.
એટલે યોગી થવા માટે આહાર અને નિદ્રા પ્રમાણસર હોય એ જ ઉત્તમ કહેવાય.