નરેશ પટેલના જન્મદિવસ નિમિતે સરદાર ભવન ખાતે યોજાયેલા રકતદાન કેમ્પ નિમિતે નરેશ પટેલની મીડિયા સમક્ષ ખુલ્લી વાત
જયેશ રાદડિયા સમાજના યુવા નેતા છે, જરૂર પડી ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છીએ
એક પત્રિકા દ્વારા ખોડલધામને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થાય તેવી શકયતા મને દેખાઇ રહી છે
આજરોજ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલના જન્મદિવસની રકતદાન કેમ્પ સાથે સરદાર ભવન ખાતે ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે મીડિયા સમક્ષ નરેશ પટેલે રકતદાન કેમ્પની સતત 3૦ વર્ષથી ચાલતી પ્રવૃતિ બદલ સમાજના તમામ લોકોનો આભાર માન્યો હતો. સાથે સાથે પત્રકારોએ સાંપ્રત પ્રવાહો અંગે પ્રશ્ન પૂછતાં નરેશ પટેલે બેધડક જવાબ આપતા જણાવ્યું હતું કે કોઇપણ બાબતમાં ખોડલધામનું પાછળ નામ મૂકી દેવું યોગ્ય નથી. સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઇએ. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. ઘરની વાત ઘરમાં રહેવી જોઇએ. ખોડલધામને કોઇ પ્રત્યે દ્વેષ કે રાગ નથી.
તેમણે જણાવ્યું હતું કે ૫૦૦ જેટલા કન્વીનરો ધરાવતું ખોડલધામ લોકશાહી ઢબે ચાલે છે. કોઇ કન્વીનર કોઇ વિચારધારામાં જોડાયેલા હોય તો તેમને સ્વતંત્રતા છે. કોઇની બાબતોમાં ખોડલધામનું નામ પાછળ જોડી દેવાની એક ફેશન બની ગઇ છે. નરેશ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે એક પત્રિકા દ્વારા ખોડલધામને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે આગળ પણ થશે તેવી તેમણે દહેશત વ્યકત કરી હતી. જો કે તેમણે સમાજના વિશાળ હિતમાં સૌને સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી તેમજ ખોડલધામ સાથે જોડાયેલા સર્વેના સેવાભાવને બિરદાવ્યો હતો.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે જયેશ રાદડીયાએ ઇફકોની ચૂંટણી સમયે દિનેશ કુંભાણીની ભૂમિકા અંગે આક્ષેપો કર્યા છે અને તેમાં ખોડલધામનું નામ પણ સંડોવાયું છે. જેનો આજે નરેશ પટેલે ખોડલધામના મંચ પરથી જ સરદારધામ રાજકોટ ખાતે ખુલાસો કરી દીધો છે.