- કોંગ્રેસ બાદ દેશના વધુ બે પક્ષ પર ઇન્કમટેક્સ વિભાગની ચાંપતી નજર છે
- લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે
- તામિલનાડુ અને આંધ્રપ્રદેશના બે સ્થાનિક પક્ષો હવે ઈન્કમ ટેક્સ ચોરી કરવા મુદ્દે આઈટીની તપાસના દાયરામાં
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના તમામ ખાતાને સીઝ કરી દેવામાં આવ્યા છે અને તેનો આરોપ છે કે પક્ષ ચૂંટણી પ્રચાર માટે આ નાણાંનો ઉપયોગ કરી શકાતો નથી. ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાના કારણે પક્ષને રૂ. 3,567 કરોડની નોટિસ મળી છે. જો કે હવે અહેવાલો છે કે કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષ પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રડાર પર આવી ગયાં છે. આઈટી ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં તેમને પણ નોટિસ ફટકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બન્ને પક્ષ વિરુદ્ધ સહકારી બેન્કોમાં રૂ. 380 કરોડ જમા હોવાને લઈને તપાસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર આ મામલો તામિલનાડુ અને આંધ્રપ્રદેશના બે સ્થાનિક પક્ષની સાથે સંકળાયેલ છે. તેમના પર નાણાકીય વર્ષ 2020-21 અને 2022ના વર્ષ દરમિયાન સહકારી બેન્કોમાં રૂ. 380 કરોડ જમા કરવા તથા તેનું ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાનો આરોપ છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બન્ને પક્ષ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેમને નોટિસ ફટકારવામાં આવશે તેમ અહેવાલોમાં જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ દ્વારા 1800 કરોડથી વધારે રકમના ટેક્સ મુદ્દે નોટીસ ફટકારવામાં આવી હતી જેના કારણે ભારે રાજકીય વિવાદ થયો હતો જોકે કોંગ્રેસને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી રાહત મળી છે.


